- ડભોઈમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા
- બંબોજ ગામના મુખ્ય માર્ગે પાણીમાં ગરકાવ
- નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી
આજે સમગ્ર રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ વરસાદે બેટિંગ કરી છે અને ડભોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા
ધોધમાર વરસાદના કારણએ બંબોજ ગામના મુખ્ય માર્ગે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ઉપરવાસમાં વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને નદીના પાણી પણ ફરી વળતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, અરવલ્લી, નર્મદા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે 4 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વલસાડમાં ભારે વરસાદ
વલસાડ તાલુકામાં 2 કલાકમાં 2.30 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે તાલુકાના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ભાગડા ખુર્દ ગામે આવેલુ તળાવ ઓવર ફ્લો થયું અને તળાવ ઓવર ફ્લો થતા તળાવનું પાણી ગામમાં ફરી વળ્યુ છે અને ગામમાં પણ કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીની સપાટીમાં પણ વધારો થયો છે અને ઔરંગા નદીની સપાટી 3.50 મીટર પહોંચી છે. હાલમાં ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
એક તરફ ભારે વરસાદ બીજી તરફ ડભોઈમાં રોગચાળાએ માથું ઉંચક્યું
ત્યારે વડોદરાના ડભોઈમાં બીજી તરફ રોગચાળાએ માથું ઉંચક્યું છે અને છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલ્ટીના 100 કેસ નોંધાયા છે. છેલ્લા 2 દિવસમાં કોલેરાના પણ શંકાસ્પદ 3 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગની 30 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે. 24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાનું પણ સામે આવ્યુ છે, ત્યારે પાલિકાએ પીવાના પાણીનો સપ્લાય પણ બંધ કર્યો છે.


