રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. જે બાદ તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વૈભવે ગુજરાત ટાઈટન્સ સામે IPLમાં 38 બોલમાં 101 રનની ઈનિંગ રમી છે. પોતાની સદીની ઈનિંગ દરમિયાન, બેટ્સમેને 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. તેને માત્ર 35 બોલમાં આ સિદ્ધિ મેળવી. વૈભવ ફક્ત IPLમાં જ નહીં પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં પણ સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેને યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. વૈભવ પોતાના IPL કારકિર્દીમાં પ્રથમ ત્રણ ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. વૈભવે સૌથી વધુ છગ્ગા ફટકારનારા સૌથી યુવા ભારતીયોમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. વૈભવે સૌથી ઓછી ઓવરમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેને 10.2 ઓવરમાં સદી ફટકારી.


