વલસાડના નનકવાડા વિસ્તારમાં હરીદર્શન એપાર્ટમેન્ટ વિસ્તારમાં ડી.જે. બંધ કરાવવા બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. બનાવમાં બંને પક્ષના અનેક લોકોને ઇજાઓ થતાં તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડવા પડ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં વલસાડ સીટી પોલીસે સામસામી ફરિયાદો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સગાઈ પ્રસંગે શરૂ થયો વિવાદ
માહિતી મુજબ 30 નવેમ્બરે તીથલ સોલ્ટી રિસોર્ટ ખાતે સગાઈ પ્રસંગ દરમિયાન ડી.જે. પર ગીત બંધ કરાવવા મુદ્દે હર્ષ ઉર્ફે જિંગુ પટેલ અને નિર્મલભાઈ ટંડેલ વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
મધરાતે હરીદર્શન એપાર્ટમેન્ટ પાસે અથડામણ
1 ડિસેમ્બરની મધરાતે સાડા બાર વાગ્યે, હરીદર્શન એપાર્ટમેન્ટના મુખ્ય ગેટ પાસે બંને પક્ષ આમને–સામને આવી ગયા હતા. ત્યાં હર્ષ, કેયુર પટેલ, જીગર પટેલ સહિતના યુવકો હાજર હતા, જ્યારે નિર્મલભાઈ ટંડેલ પણ પોતાના સાથીઓ સાથે સ્થળે પહોંચ્યા હતા.
હોકી–લાકડાં–પેવર બ્લોકથી હુમલા
ફરિયાદ મુજબ બંને પક્ષ વચ્ચે હોકી સ્ટિક, લાકડાં, લોખંડના સળિયા અને સિમેન્ટના પેવર બ્લોક વડે હુમલા કરવામાં આવ્યા હતા..જેમાં બંને પક્ષના અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કેટલાંકને લોહીલુહાણ હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.


