- અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરીત કરાયા
- તરીયાવાડ, બરૂડિયા વાડ, પારડી,કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું
- તમામ લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘુસવા લાગ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરીત કરાયા છે. તરીયાવાડ, બરૂડિયા વાડ, પારડી,કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
1000થી વધુ લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો
પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે અને 1000થી વધુ લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. નદીના પાણી મોડી રાત્રે શહેરી વિસ્તારમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
વલસાડના છીપવાડ, દાણા બજાર,કશ્મીર નગર, વલસાડ પારડી જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં પરિવર્તન થવા પામ્યા હતા. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે તો નીચાણ વાળા કેટલાક વિસ્તારો વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવાયા અને લોકોને સાવચેત રહેવા સૂચના કરવામાં આવ્યા.
અતિભારે વરસાદને લઈ તમામ શાળા, કોલેજો રહેશે બંધ
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગણવાડીઓને બંધ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યો, જિલ્લા વિકાસ અધિકારીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ અંગે તમામ લોકોને માહિતી આપી છે અને વિદ્યાર્થીઓની સલામતી માટે આ મોટો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
નવસારીમાં કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહેતી થઈ
નવસારીમાં કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહેતી થઈ છે. ચીખલી નજીક કાવેરી નદી 22 ફૂટ ઉપર વહેતી થઈ છે. કાવેરી નદીએ તેની ભયજનક 19 ફૂટની સપાટી વટાવી દીધી છે અને હાલમાં તેનાથી ઉપર વહી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.


