- આજુબાજુના ગામોના બોર અને કુવાના જળ સ્તર નીચે ગયા
- ધરમપુર તાલુકાની માન નદીના કિનારેના ગામો પાણી માટે તરસ્યા
- ગામની આસપાસની પણ નદીઓ સુકાતા સ્થાનિકોને ભારે હાલાકી
ધરમપુર તાલુકામાંથી પસાર થતી માન નદી સુકાઈ જવાથી 7 જેટલાં કિનારેના ગામોમાં ભર ઉનાળે પીવા સહીત ખેતી અને પશુપાલન માટે પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.સૌથી મોટુ ગામ બામટીમાં,જેમાં કિનારાના 13 ફળીયાના આશરે 1400 ઘરોની અંદાજિત 5444ની વસ્તીને કુવા તથા બોરના જળસ્તર નીચા જવાથી પાણીની તંગી ઉભી થવાની સાથે ખેતીમાં તકલીફ ઉભી થઈ છે. સાથે પીવાનું પાણીનું પણ ઓછું મળી રહ્યું છે.તો બીજા 6 જેટલાં અન્ય ગામોની સાથે કુલ 12,000થી વધુની વસ્તી પણ આ સમસ્યાનો સામનો કરે છે.નદી પર બનેલ ચેકડેમ લીકેજ હોવાથી પાણી અટકતું નથી.
આ ગામોમાં પાણીની તંગી
જોકે માન નદીના કિનારે આવેલ બામટી ગામ અને મરઘમાળના સરપંચો તેમજ ગામ લોકો સાથે સાથે સંદેશ ન્યુઝે વાત કરી તો તેમણે જણાવી પોતાની સમસ્યા અને કહ્યુ કે અમારા ગામમાં બોર કુવામાં જળસ્તર નીચા ગયા છે જેના કારણે જયારે જળ સ્તર ઊંચા આવે ત્યારે ચાર કલાક પાણી ખેતરમાં સંગ્રહ કરી રહ્યા છે. આમ જળ સ્તર આવવાની રાહ જોવી પડે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે બામટી કોળઘા ફળીયા, શીશવાડા ફળીયા, ટેટુપાડા ફળીયા તથા મરઘમાળ દાદરી ફળીયાનામાં આ નદી ઉપરના ચેકડેમ લીકેજ હોવાથી એનું સમારકામ કરવામાં આવે તો વરસાદના સમયે પાણીનો સંગ્રહ થઈ શકે છે. સાથે બોર,કૂવાના જળ સ્તર ઉંચા આવી શકે છે. ત્યારે આ વિસ્તારમાં 20થી 25 દિવસમાં નદી પુરી સુકાઈ જવાની દેખાઈ રહેલી શક્યતાને લઈ બામટી. નાની ઢોલડુંગરી, મોટી ઢોલડુંગરી, આસુરા મરઘમાળ અને ભાંભા ગામોમાં પાણીની તંગી ઉભી થઈ છે.
પાઈપલાઈનથી થશે રાહત
હોળી પછી આ નદીમાં પાણી ઓછું થઈ જાય છે.કાયમી નિવારણ માટે કરંજવેરીમાં માન નદીમાંથી પસાર થતી પાણી પુરવઠાની આગામી બલ્ક પાઈપલાઈન યોજનાની ચાલી રહેલી કામગીરી અંતર્ગત મધુબનડેમનું પાણી ભવિષ્યમાં આ યોજના ચાલુ થાય ત્યારે જરૂરિયાત મુજબ નદીમાં છોડવામાં આવે તો બામટી સહિત મરઘમાળ, ભાંભા,આસુરા, મોટી ઢોલડુંગરી,નાની ઢોલડુંગરી, બારસોલ તેમજ ધરમપુર નગરપાલિકાને પણ રાહત થઈ શકે એમ છે.



