- જે લોકો પોતાની સમજણમાં ખૂબ જ જડ જેવા બની જાય છે તેઓ પૈસાની પૂજા કરવા લાગે છે
ઘણા લોકો પૈસા એટલા માટે નથી કમાતા કે તેમને ભૌતિક રીતે ટકી રહેવા માટે તેની જરૂર હોય છે તેઓ પૈસા કમાઈ રહ્યા છે, કારણ કે તે જ એકમાત્ર એવી વસ્તુ છે જે તેમને વિશ્વમાં `કોઈક’ હોવાનો અનુભવ કરાવે છે. તમે `સ્વયં’ને કમાવાનો પ્રયાસ કરી રહ્યાં છો, કારણ કે ક્યાંક તમે જે રીતે છો તેમાં તમે અધૂરા હોવાનું અનુભવો છો, તેથી તમે ઘણીબધી વસ્તુઓ ભેગી કરવા અને તમારી જાતને એકદમ મહત્ત્વના હોવાનો અનુભવ કરાવવા માંગો છો. માનસિક સ્તરે, ભાવનાત્મક સ્તરે અને શારીરિક સ્તરે, તમે અધૂરા હોવાનું અનુભવો છો. તમે સાવ નાના માણસ છો. ક્યાંક તમે એવું માનો છો કે આ બધી વસ્તુઓ ભેગી કરીને, તમને મહત્ત્વના હોવાનો અનુભવ થશે, પણ છતાંય તમને એવો અનુભવ નથી થતો. તમે ઘણુંબધું ભેગું કર્યું છે, પણ છતાં તમને તમે ખૂબ મહત્ત્વના છો એવું નથી લાગતું, ખરુંને?
આપણે સમજવું જોઈએ કે પૈસા માત્ર એક માધ્યમ છે. પૈસા પોતે જ કોઈ અર્થ ધરાવતા નથી. જો પૈસા પોતે જ કંઇક છે, તો તમે તમારા પોતાના પ્રકારના પૈસા છાપી શકો છો અને તેને તમારા ઘરમાં રાખી શકો છો. તે માત્ર કાગળ હશે. પૈસા માત્ર એટલા માટે જ મૂલ્યવાન બન્યા છે, કારણ કે તે એક માધ્યમ અને રસ્તો છે – વિશ્વમાં વસ્તુઓ મેળવવાનો એક માર્ગ, પરંતુ તેના પોતાનામાં તેનો કોઈ અર્થ નથી.
જે લોકો પોતાની સમજણમાં ખૂબ જ જડ જેવા બની જાય છે તેઓ પૈસાની પૂજા કરવા લાગે છે. લોકો પૈસાના ઢગલાને લક્ષ્મી તરીકે પૂજે છે. પૂજાનું સૌથી જડ સ્વરૂપ પૈસાની પૂજા કરવી તે છે, કારણ કે પૈસાનો બીજી કોઈ વસ્તુ માટેના માધ્યમ સિવાયનો કોઈ અર્થ નથી. તેનો કંઇક અર્થ છે, કારણ કે તે તમને દુનિયામાં તમને જોઈતી વસ્તુઓ ખરીદી આપે છે.
આજના સમયમાં દુનિયાના સમાજોએ કરેલી એક મોટી ભૂલ એ છે કે, અર્થશાસ્ત્ર તેમના જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બની ગયું છે, અર્થશાસ્ત્ર આખી દુનિયાનો સૌથી મહત્ત્વનો ભાગ બની ગયું છે. પ્રેમ, આનંદ, માનવતા, કલા, સંગીત, કશું નહીં; અર્થશાસ્ત્ર એ જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એક વાર તમે અર્થશાસ્ત્રને જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બનાવી લો, પછી તમે સ્વાભાવિક રીતે ખૂબ જ જડ જેવું જીવન જીવશો. તમે તમારા જીવનમાં કોઈ સૂક્ષ્મતાને જાણશો નહીં અને તમારા જીવનની સૂક્ષ્મ વસ્તુઓ ક્યારેય તમારી અંદર પ્રવેશ નહીં કરે, પરંતુ સાથે સાથે, જ્યાં સુધી તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, ત્યાં સુધી તમે જીવનની સૂક્ષ્મ વસ્તુઓ માટે પૈસા આપી શકતા નથી, કારણ કે જીવનની સૂક્ષ્મ વસ્તુઓ માટે કિંમત ચૂકવવી પડી શકે છે.
જો સમાજો ખૂબ જ ગરીબ બની જાય તો તે ખૂબ જ જડ બની જાય છે. જો સમાજો ખૂબ જ સમૃદ્ધ બની જાય તો તેઓ અભદ્ર રીતે જડ બની જશે. જ્યારે બીજી વસ્તુઓની કોઈ કિંમત નહીં રહે ત્યારે અર્થશાસ્ત્ર ઘાતકી બની જશે. જો સમાજ પૂરતો સમૃદ્ધ હોય પરંતુ અશિષ્ટ રીતે સમૃદ્ધ ન હોય તો જ અન્ય વસ્તુઓ અસ્તિત્વમાં રહેશે. તેથી આપણે સંતુલન જાળવવું પડશે. અર્થશાસ્ત્રને એક ચોક્કસ માત્રામાં મહત્ત્વ આપવું જોઈએ, પરંતુ જીવનમાં અન્ય બાબતો પણ મહત્ત્વની હોવી જોઈએ.