વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું છે. ભારત માટે 320 મેચ રમનાર 32 વર્ષીય સ્ટ્રાઈકર વંદનાએ ભારતીય મહિલા હોકીના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમી છે. તેણીએ કહ્યું કે તેણી 15 વર્ષની સુવર્ણ કારકિર્દીના શિખર પર વિદાય લઈ રહી છે.
સૌથી વધુ મેચ રમનાર સ્ટાર ખેલાડી
મહત્વનું છે કે 2009માં સિનિયર ટીમમાં ડેબ્યૂ કરનાર કટારિયા ટોક્યો ઓલિમ્પિક 2020માં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમનો ભાગ હતી, જેમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આવું કરનારી તે પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. હરિદ્વારના રોશનાબાદની રહેવાસી કટારિયાએ ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરમાં FIH પ્રો લીગમાં ભારત માટે છેલ્લી મેચ રમી હતી.
પોસ્ટ કરી શેર
વંદનાએ આ અંગે એક પોસ્ટ શેર કરતા લખ્યું કે આજે ભારે પણ કૃતજ્ઞ હૃદય સાથે હું આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લઈ રહી છું.’ આ નિર્ણય સશક્ત બનાવવાની સાથે દુઃખદ પણ છે. હું એટલા માટે રાજીનામું નથી આપી રહી કે મારા અંદરની આગ ઓછી થઈ ગઈ હોય અથવા તો મારી અંદર હૉકી પ્રત્યે કંઇ રહ્યું ન હોય. પરંતુ એટલા માટે કારણ કે કરિયરના શિખરે સંન્યાસ લેવા માગ છું. જ્યારે હું આજે પણ સર્વશ્રેષ્ઠ સ્તર પર છું.
તેણે વધુમાં લખ્યું કે આ વિદાય થાકને કારણે નથી. આ આંતરરાષ્ટ્રીય સ્ટેજને મારી શરતો પર છોડવાનો એક વિકલ્પ છે. મારુ માથુ ઊંચુ રહેશે અને મારી સ્ટિક હજી પણ આગથી ધગધગતી રહેશે. દરેક ગોલનો રોમાંચ અને ભારતની જર્સી પહેરવાનો ગર્વ મારા મનમાં હંમેશા ગૂંજતો રહેશે.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે મારા સ્વર્ગસ્થ પિતા મારા માર્ગદર્શક હતા. તેમના વિના મારુ સપનું ક્યારેક પુરુ ન થતુ. તેમના બલિદાનો અને પ્રેમે મારી રમતનો પાયો નાંખ્યો. તેમણે મને સપના જોતા, લડતા અને જીતવા માટે પ્લેટફોર્મ આપ્યું. હાલમાં વંદના કટારિયાના નામ પર હરિદ્વારના રોશનાબાદમાં આવેલા સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું હતું.


