- મુસાફરને ફૂગવાળું દહીં પિરસાયું
- રેલવે મંત્રાલયને સોશિયલ મીડિયા પર ટેગ કરાયા બાદ ત્વરિત જવાબ અપાયો
- મુસાફરે પિરસાયેલા ભોજનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હલચલ મચી ગઈ
ભારતીય રેલવેને તમે ગમે તેટલી હાઇટેક અને પેસેન્જર ફ્રેન્ડલી કેમ ન કહો, પરંતુ ટ્રેનમાં પિરસવામાં આવતા ભોજને હંમેશા જ રેલવેની રેવડી દાણ-દાણ કરી નાખી છે. લગભગ દર બીજા દિવસે રેલવેના ભોજન અંગે ક્યાંકને ક્યાંકથી ફરિયાદ મળતી રહે છે અને સ્પષ્ટ થાય છે કે ભોજન મુદ્દે રેલવેની કહેણી અને કરણીમાં ભારે અંતર છે. રેલવેના ભોજનની ગુણવત્તા સામે ફરી સવાલ ઊઠયા છે. વંદે ભારત એક્સપ્રેસમાં દેહરાદૂનથી દિલ્હીના આનંદ વિહાર સુધી પ્રવાસ કરી રહેલ મુસાફરને ત્યારે આંચકો લાગ્યો હતો જ્યારે તેણે જોયું હતું કે ટ્રેનમાં તેને ભોજનમાં જે દહીં પિરસાયું હતું તેમાં ફૂગ લાગેલી હતી. એક્સ યૂઝર હર્ષદ ટોપકરે રેલવે મંત્રાલય, ઉત્તર રેલવે અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના સત્તાવાર એકાઉન્ટને ટેગ કરતા પોતાની ફરિયાદ કરી હતી. રેલવે મંત્રાલયે પણ પાંચ માર્ચે હર્ષદની ફરિયાદના તરત જ બાદ ફરિયાદને ધ્યાનમાં લઈ તેનો જવાબ આપ્યો હતો. હર્ષદે પોતાની પોસ્ટમાં તે ભોજનની તસવીર પણ શેર કરી હતી જે ભોજન તેને વંદે ભારતના એક્ઝિક્યૂટિવ ક્વાસમાં તેને પિરસવામાં આવ્યુ હતું.
રેલવેએ પણ પોસ્ટ પર જવાબ આપ્યો :
હર્ષદની પોસ્ટથી હલચલ મચી ગઈ હતી. ઉત્તર રેલવેએ પણ પોસ્ટનો જવાબ આપ્યો હતો અને તેણે આઇઆરસીટીસીના સત્તાવાર એકાઉન્ટ પર પોસ્ટ ટેગ કરીને કહ્યું હતું કે, આ પ્રકરણ પર ધ્યાન આપો. ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં વંદે ભારતના ઘણાં મુસાફરોએ ટ્રેનમાં પિરસાતા ભોજનની ખરાબ ગુણવત્તાની ફરિયાદ કરી છે. જાન્યુઆરીમાં નવી દિલ્હીથી વારાણસી સુધી વંદે ભારત એક્સપ્રેસમાં જતા એક મુસાફરે આરોપ લગાવ્યો હતો કે પ્રવાસ દરમિયાન તેને અને અન્ય લોકોને વાસી ભોજન પિરસવામાં આવ્યું હતું.


