- વણકર સમાજ દ્વારા રવિવારે સેક્ટર 11ના વિશાળ રામકથા
- કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે સાકાર
- વણકર ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો
વણકર સમાજ દ્વારા રવિવારે સેક્ટર 11ના વિશાળ રામકથા મેદાન ખાતે કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે સાકાર થનાર વણકર ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. કુડાસણ ખાતે બનનારા વણકર ભવનની ભૂમિપૂજનવિધિ ડૉ. કરસનદાસ સોનેરી અને સ્વ. ચૌહાણના ધર્મપત્ની કુસુમબેન ચૌહાણના વરદહસ્તે થઈ હતી. સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સમારોહ રામકથા મેદાન ખાતે યોજાયો હતો. જેમાં મહંત લાલદાસ બાપુ (જોધલપીર ધામ-કેસરડી), મહંત તુલસીદાસજી (સંત કબીર આશ્રામ-સુરત), મહંત વીરેશ્વરબાપુ (જગ્યા તલોદ) પણ હાજર રહ્યાં હતા. ગુજરાત રાજ્યના વણકર પરગણાના 400 જેટલા ગામોમાં 3200 કિ.મી.ની વણકર ગૌરવ યાત્રાને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર-અનુદાન બાદ વણકર ભવનના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે. વણકર ભવન માટે દાન કરનારા 100 જેટલા દાતાઓનું મહાનુભાવો દ્વારા તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સમગ્ર વણકર સમાજના આદ્ય સંત વીર મેઘમાયા અને યુગપુરૂષ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીરોને પુષ્પાર્પણ કરી, દીપ પ્રાકટયથી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો.


