IPLના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને એક નાનકડો દેશ વનુઆતુની નાગરિકતા લીધી હતી.. પરંતુ હવે વનુઆતુના વડા પ્રધાને લલિત મોદીને ઝટકો આપ્યો છે.વાનઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક અસરથી રદ કરવા જણાવ્યું છે. પીએમએ કહ્યું કે મેં નાગરિકતા આયોગને લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ તાત્કાલિક રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કેમ પાસપોર્ટ કરાશે રદ ?
વાનઆતુ સરકારે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવાનો એટલા માટે આદેશ કર્યો કે તેઓ લલિત મોદીની પ્રવૃત્તિઓથી અજાણ હતા. આ અંગે વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લલિત મોદીના કારણે વાનઆતુના ગોલ્ડન પાસપોર્ટ પ્રોગ્રામ પર પ્રતિકૂળ અસર પડશે તેવી આશંકા હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે યુરોપ જેવા દેશો વાનઆતુ સામે કાર્યવાહી કરી શકે છે.
આ બાબતે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
શુક્રવારે વિદેશ મંત્રાલય (MEA) એ પુષ્ટિ આપી હતી કે IPL ના સ્થાપકે તેમની ભારતીય નાગરિકતા છોડી દેવા માટે અરજી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘તેમણે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.’ હાલના નિયમો અને પ્રક્રિયાઓના પ્રકાશમાં આની તપાસ કરવામાં આવશે. અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે વાનઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદા મુજબ તેમની સામે કેસ ચાલુ રાખીશું.” લલિત મોદી 2010 માં ભારત છોડીને ભાગી ગયો હતો અને ત્યારથી લંડનમાં રહે છે.
પાસપોર્ટ મળ્યા બાદ કેટલા દેશમાં ફરી શકે ?
વાનઆતુ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે. તે 83 ટાપુઓનો બનેલો એક દ્વીપસમૂહ છે, જેમાંથી ફક્ત 65 ટાપુઓ પર જ વસ્તી છે. તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ન્યુઝીલેન્ડની ઉત્તરે અથવા ઓસ્ટ્રેલિયા અને ફીજીની વચ્ચે સ્થિત છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર પોર્ટ વિલા છે, જે એફેટ ટાપુ પર સ્થિત છે. વિઝા ઇન્ડેક્સ અનુસાર વાનઆતુ પાસપોર્ટ ધારકો વિઝા વિના 56 દેશોમાં મુસાફરી કરી શકે છે, જે તેના નાગરિકતા-દ્વારા-રોકાણ કાર્યક્રમને ખૂબ જ આકર્ષક યોજના બનાવે છે.


