- ASIએ સિલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો
- સરવે રિપોર્ટ સાર્વજનિક ન કરવા મુસ્લિમ પક્ષની માગ
- 21 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે
વારાણસીની પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસીની જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. આ અહેવાલ સફેદ સીલબંધ પરબીડિયામાં રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ, મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને રિપોર્ટને સીલબંધ પરબિડીયામાં રજૂ કરવાની માંગ કરી હતી. મુસ્લિમ પક્ષે એવી પણ માંગણી કરી હતી કે કોઈને પણ એફિડેવિટ વિના રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ રિપોર્ટ બપોરે જ જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ રજૂ કરતી વખતે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન સહિત તમામ પક્ષકારો કોર્ટમાં હાજર હતા, જેમાં શ્રૃંગાર ગૌરીની વાડીની મહિલાઓ પણ સામેલ હતી.
કોર્ટ પાસે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો
30 નવેમ્બરે ASIએ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જેના પર જિલ્લા ન્યાયાધીશે ASIને 10 દિવસનો સમય આપ્યો હતો. આ પછી ASIએ ફરીથી સમય માંગ્યો. હવે આખરે ASI આજે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે.
સર્વેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે
કોર્ટના આદેશ પર લગભગ 100 દિવસ સુધી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષના લોકો, ASI વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો સામેલ હતા. સર્વેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ થયા બાદ જાણવા મળશે કે જ્ઞાનવાપી સંકુલમાં શું છે?
હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈન શું કહે છે?
જ્ઞાનવાપી સર્વે કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈન કહે છે, “રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરી શકાય નહીં, ASIએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. અમે કોર્ટ સમક્ષ અમારી અરજી દાખલ કરી છે. કે ASI રિપોર્ટની નકલ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ અને 21 ડિસેમ્બરે સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવશે…”
મુસ્લિમ પક્ષે પ્રતિબંધની માંગણી કરી હતી
આ વર્ષે 21 જુલાઈના રોજ વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશે ASIને જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરાયેલ વિસ્તાર સિવાયના બાકીના પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્રણ દિવસ બાદ ASI દ્વારા 24મી જુલાઈના રોજ જ્ઞાનવાપીનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ મસ્જિદની દેખરેખ રાખતી અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને કારણે સર્વે અટકાવવામાં આવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટ અને પછી હાઈકોર્ટની પરવાનગી મળતાં 4 ઓગસ્ટથી ફરી એકવાર જ્ઞાનવાપી સંકુલના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વિવાદ શું છે?
કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વચ્ચેનો વિવાદ મોટાભાગે અયોધ્યા વિવાદ જેવો જ છે. જો કે, અયોધ્યાના કિસ્સામાં, એક મસ્જિદ બનાવવામાં આવી હતી અને આ કિસ્સામાં મંદિર અને મસ્જિદ બંને બનાવવામાં આવ્યા છે. કાશી વિવાદમાં હિન્દુ પક્ષનું કહેવું છે કે 1669માં મુઘલ શાસક ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડીને અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. હિંદુ પક્ષના દાવા મુજબ, તે 1670 થી આને લઈને લડી રહ્યું છે. જો કે, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અહીં કોઈ મંદિર નહોતું અને શરૂઆતથી જ મસ્જિદ બનાવવામાં આવી હતી.


