આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માટે કે પછી ભૌતિક ક્ષેત્રે સંપદા મેળવવા માટે મંત્રની સાધના કરવામાં આવે છે. સાંસારિક સુખો મેળવવા માટે પણ વ્રતની સાથે મંત્રોના જાપ કરવામાં આવતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે માળાના મણકા ઘસાઈ જાય, પણ સાધના સફળ થતી નથી. તો ક્યારેક આખી જિંદગી જપ-તપ કરવાથી પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાતી નથી. સાધના કરતા પહેલાં સાધકે તેનાં નીતિ-નિયમો અને વિવિધ પાસાંઓને જાણી લેવાં જરૂરી છે. સાધનાને સફળ કેમ બનાવવી તે જાણીએ…
સ્થળની પવિત્રતા
સાધના માટે સમય, સ્થળ અને યોગ્ય વિધિવિધાન જરૂરી છે. સૌ પ્રથમ વાત કરીએ સ્થાનની, તો સાધના માટે યોગ્ય સ્થળ પસંદ કરવું જરૂરી છે. સ્થળની પવિત્રતાને પણ અહીં તેટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું. જો સાધનાનું સ્થળ ગંદું હોય, મંદિરની આસપાસ ધૂળ-માટી લાગેલી હોય તો આવી જગ્યા પર તમે સાધના કરવા બેસશો તો સાધના માટેનો યોગ્ય માહોલ સર્જાશે નહીં. સાધનામાં સ્થળની પવિત્રતા પણ એટલી જ જરૂરી છે જેટલી તન-મનની નિર્મળતા, તો સાધના માટે જ્યારે પણ કોઈ સ્થાન નક્કી કરો તે સ્થાનમાં નીરવ શાંતિ હોવી જોઈએ, જેથી તમારું ચિત્ત પ્રભુ સાથે એકરાર થઈ શકે.
સાધનાનો સમય
સાધનાને સિદ્ધ અને સફળ બનાવવામાં સમય પણ અગત્યનો ભાગ ભજવે છે. સાધના માટે કયો સમય પસંદ કરો છો તેના પર પણ તેની સફળતાનો આધાર રહેલો છે. સાધના માટે વહેલી સવારનો સમય વધુ યોગ્ય ગણવામાં આવે છે. આ સમયે વાતાવરણ શાંત હોવાથી પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધવું સહેલું બને છે. જો વહેલી સવારનો સમય કાયમ માટે જળવાઈ રહે તેમ ન હોય તો એવો સમય પસંદ કરવો જોઈએ, જેથી સમયસૂચકતાનું તમે હંમેશાં પાલન કરી શકો. રોજ સવારે ચાર વાગ્યે સાધના કરવા બેસતા હો તો આ નિયમનો ભંગ ન કરો. સાધના માટે હંમેશાં એક જ સમય અને એક જ સ્થળના સાતત્યનો ભંગ ન કરો. નિયમિત એક જ સ્થળ અને એક જ સમયે કરવામાં આવતા અનુષ્ઠાનનું સુંદર ફળ મળે છે.
મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ
જ્યારે કોઈ કામના કે ઈચ્છા માટે સાધના કરવામાં આવે છે ત્યારે તેમાં મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ થવું પણ જરૂરી છે. શબ્દ બ્રહ્મ છે. શબ્દનો સારો અને નરસો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી, તેથી જ્યારે પણ તમે કોઈ મંત્રના જાપ કરો ત્યારે મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. મંત્ર ઉચ્ચારણમાં ક્યારેય ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. એકાગ્ર ચિત્તે મનને પ્રભુનાં ચરણમાં પરોવીને જ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
તન-મનની પવિત્રતા
સાધનામાં તન-મનની પવિત્રતા પણ જરૂરી છે, તેથી કર્મકાંડમાં પણ સૌ પ્રથમ પવિત્રીકરણ કરવામાં આવે છે, પછી પૂજાવિધિ શરૂ કરાવવામાં આવે છે. સાધનામાં બેસતા પહેલાં સ્નાનાદિકાર્યથી પરવારી શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. શરીર શુદ્ધ જળથી પવિત્ર થઈ જાય છે, પણ જ્યારે મનની પવિત્રતાની વાત આવે છે ત્યારે આપણે બાંધછોડ કરીએ છીએ, પરંતુ મનનું પાવન હોવું પણ અનિવાર્ય છે. ચિત્તને એકાગ્ર કરવા માટે પણ મનને કામ, ક્રોધ, લોભ, મોહથી મુક્ત કરીને પાવન કરવું અનિવાર્ય છે.
પ્રભુપ્રીતિ અને શુદ્ધ હેતુ
મનની પવિત્રતા સાથે મનના ભાવ પણ સાધનાને સિદ્ધ કરવા માટે જરૂરી છે. જો મનમાં કોઈ ભાવ જ ન હોય, પ્રભુ પ્રત્યે પ્રેમ જ ન હોય અને નર્યા સ્વાર્થ માટે જ સાધના કરવામાં આવતી હોય તો આ પ્રકારની સાધના સફળ થતી નથી. સાધના માટે પ્રભુનાં ચરણમાં પ્રીત હોવી પણ જરૂરી છે. સાધનામાં કર્મકાંડના વિધિવિધાનને સાચવી લેવામાં આવે છે. પ્રભુને ફૂલ, હાર અને મેવા-મીઠાઈ ધરાવવામાં આવે, પણ મનમાં જ કોઈ ભાવ ન હોય તો પ્રભુ સાથે ભાવનાત્મક સંબંધ સ્થપાતો નથી અને તેના વગર સાધના સિદ્ધ થતી નથી.