- આંખનો રોગ મટી જતાં ભગવાન મોટાભાઇ અને બહેન સાથે રથમાં બિરાજમાન થઇને નગરજનોને દર્શન આપવા નીકળ્યાં
પવિત્ર નૈમિષારણ્યમાં શૌનક ૠષિએ સુતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછ્યા તેના વળતા ઉત્તરમાં સુતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા. જેમાં છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યા મુજબ બ્રહ્માજીએ વૈશાખ સુદ આઠમે કાષ્ટમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી,
એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રધૃમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું, `હું અહીં બ્રહ્માના બે પરાર્ધ સુધી આ તીર્થક્ષેત્રમાં વાસ કરીશ. હે રાજા! જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઊજવવો અને એ જ દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઊજવવો.’ આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે ભગવાનનો રથ ઉત્સવ ઊજવે છે.
બીજી માન્યતા એવી છે કે દ્વારિકાપુરીમાં યાદવોનાં છપ્પન કુળ વસતાં હતાં. યાદવો વ્યભિચારી બન્યા. અંતમાં યાદવ કુળનો નાશ થયો. ભગવાન શ્રીકૃષ્ણને અસહ્ય લાગી આવતાં તે ગામબહાર વૃક્ષ નીચે બેઠા. એ સમયે પારધીના બાણથી તેમનો પગ વીંધાઇ ગયો અને તેમણે લીલા સંકેલી લીધી. શ્રીકૃષ્ણની ચિતા ખડકાઇ. બલભદ્ર-સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું. એ સમયે મૂશળધાર વર્ષા થઈ. ત્રણેય દેહ તણાઇને પુરીના દરિયાકિનારે આવ્યા. ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને સુસજ્જ કરી નગરજનોનાં દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી આ દિવસ અષાઢ સુદ બીજનો હતો. ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઊજવે છે.
ત્રીજી માન્યતા એવી પણ છે કે ભગવાનને આંખનો રોગ થયેલો (કંજક્ટિવાઇટિસ). આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા. આંખનો રોગ મટી જતાં પોતે મોટાભાઇ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઇને નગરજનોને ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને પોતાના મોસાળ જનકપુર (ગુંડીચા) આરામ કરવા માટે પધાર્યા. આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. એવું પણ કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણને મામા કંસનું મથુરા પધારવા આમંત્રણ મળે છે. એ સમયે શ્રીકૃષ્ણ ભાઇ-બહેન સાથે રથમાં સવાર થઇને મથુરા પધારે છે. એ પ્રસંગની યાદમાં પણ રથયાત્રા ઊજવાય છે.
ચોથી માન્યતા એવી છે કે કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી શ્રીકૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઇચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતા રોહિણીને એવું લાગે છે કે કનૈયાની રાસલીલા, ગોપીલીલા, બહેન સુભદ્રા ન સાંભળે તો સારું, માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઇઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રકટ થયા અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઇબહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો. આમ, રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે.
કોઠારમાં દરોડો પાડનાર
કલેક્ટર છોભીલા પડ્યા
અમદાવાદમાં રથયાત્રા પહેલાં ભગવાન મામાના ઘરેથી પરત આવે ત્યારે કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ(દૂધપાક)નો વિશેષ ભંડારો સાધુ-સંતો માટે થાય છે, પરંતુ જગન્નાથજી મંદિરમાં તો દરરોજ સવાર-સાંજ સાધુ-સંતો અને દરિદ્રનારાયણને ભોજનપ્રસાદ એટલે કે ભંડારો યોજાય છે. આ મંદિરના ઇતિહાસમાં એક વખત એવું થયું છે જ્યારે કલેક્ટરે મંદિરના કોઠારમાં રેડ પાડી હતી પરંતુ અંતે જગન્નાથજીનાં ચરણોમાં દર્શન કરીને પાછા જવું પડ્યું હતું તેનો 2સપ્રદ ઇતિહાસ છે.
મહંત નરસિંહદાસજીના સમયની આ ઘટના એવી છે કે વર્ષ 1940માં બધે જ અનાજનું રેશનિંગ હતું. તે ગાળામાં મંદિરમાં પણ સાધુ-સંતો અને દરિદ્રનારાયણો માટે મંદિરનો ભંડારો સવાર-સાંજ ચાલુ હતો. તે દરમિયાન કોઈની કાનભંભેરણીથી તત્કાલીન અંગ્રેજ કલેક્ટર પિમ્પુટકરેને કોઈએ કહ્યું કે મહંત નરસિંહદાસજી અન્નક્ષેત્ર-ભંડારો ચલાવે છે ત્યારે આટલું બધું અનાજ લાવે છે ક્યાંથી? તેમની પાસે અનાજ, ખાંડ, ઘી, તેલ, ગોળનો જથ્થો કેટલો છે તેની તપાસ થવી જોઈએ એટલે આ કલેક્ટરે પોતાના માણસો સાથે મંદિરમાં રેડ પાડી.
પ્રથમ તેઓ તત્કાલીન મહંતને મળ્યા. મહંતે પ્રેમપૂર્વક આવકાર આપી કહ્યું જુઓ હું અહીંનો સેવક છું, માલિક તો સ્વયં જગન્નાથજી છે, તમે અહીં જે જુઓ છો તે બધું ધર્માદાનું છે. લોકો દાન આપે છે તેના વળતર રૂપે ભંડારા રૂપે સાધુ-સંતો અને દરિદ્રનારાયણને જમાડીએ છીએ. તમે મંદિરના કોઠારની ચાવી જાતે લઈ તાળું ખોલી જુઓ. પછી કલેક્ટર અને તેમની સાથેના અધિકારીઓ મંદિરના સેવકો સાથે કોઠાર જોવા ગયા. બધાએ જોયું કે બધા કોથળા ખાલી હતા. ક્યાંય ગોળના 2વા, ઘી-તેલના ડબા પણ ન દેખાયા. એટલે બધા ભોંઠા પડી ગયા. ત્યારબાદ મહંતે તેઓને પૂછ્યું કે તમે બરાબર કોઠાર જોઈ આવ્યા? કંઈ સંતાડીને કે છુપાવીને રાખ્યું છે? હવે તમે અમારા અતિથિ છો એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને આગળની કાર્યવાહી કરજો. પછી તેમણે માલપૂઆનો પ્રસાદ આરોગ્યા પછી મહંતે કહ્યું તમે જીવદયાનો મનમાં ભાવ રાખી ફરીથી કોઠાર ખોલીને જુઓ.
કલેક્ટર અને તે અધિકારીઓએ તે મુજબ કર્યું પરંતુ આશ્ચર્ય થયું કે અત્યારે બધા જ કોથળા અનાજ-ખાંડથી ભરપૂર હતા અને તેલ-ઘીના ડબા અને ગોળના 2વા દેખાયા. એટલે કલેક્ટરે પોતાના માણસને એક ખાંડનો કોથળો ઊંચકી તોલવા કહ્યું. માણસે કોથળો ઊંચકવા ઘણું બળ કર્યું, પરંતુ તે ઊંચકાયો જ નહીં. પછી કલેક્ટર અને અધિકારીઓ સંતના ચરણમાં ઝૂકી ગયા ને જગન્નાથજીનાં દર્શન કરીને નીકળી ગયા. જોકે, આ ચમત્કાર કહો કે કંઈ પણ આજે ગમે તેવી કુદરતી આપત્તિ હોય ત્યારે જગન્નાથજી મંદિરના કોઠાર હંમેશાં દુ:ખીજનોની સહાય માટે ખુલ્લા હોય છે અને રોજ સાધુ-સંતો અને દરિદ્રનારાયણ મંદિરના ભંડારામાં ભોજનપ્રસાદ મેળવે છે.
સાક્ષી ગોપાલનાં દર્શન ફરજિયાત
પુરીથી 22 કિમી. દૂર સાક્ષી ગોપાલ મંદિર છે. ભગવાન કૃષ્ણની લગભગ 4થી 5 ફૂટ ઊંચી શ્યામવર્ણી મૂર્તિ છે. માન્યતા એવી છે કે જગન્નાથજીનાં દર્શન કર્યા બાદ આ સાક્ષી ગોપાલનાં દર્શન કરવાં જરૂરી છે. સાક્ષી ગોપાલનાં દર્શન કરવાથી તે પ્રભુ જગન્નાથ દર્શનના સાક્ષી બને છે ત્યારબાદ યાત્રા-રથયાત્રાનાં દર્શન પરિપૂર્ણ અને સફળ થાય છે. અહીંના પંડાઓ તાડનાં પાંદડાં ઉપર યાત્રિકોનાં નામ લખે છે તેમજ પ્રસાદ આપે છે. આ ભગવાન સાક્ષી બનતા હોવાથી સાક્ષી ગોપાલ કહેવાયા છે.
ભગવાન જગન્નાથનું પૂજન આ રીતે કરો
અષાઢી બીજ ભગવાન જગન્નાથની પૂજાનું પર્વ છે. આ દિવસે તેમનું પૂજન કરીને દંપતી વિશેષ લાભ મેળવી શકે છે. રથયાત્રામાં સામેલ થવાનું શક્ય ન બને તો આ સમયે ભગવાન જગન્નાથની પૂજા-ઉપાસના કરવી જોઈએ.
સંતાનપ્રાપ્તિ માટે
એક બાજઠ પર ભગવાન જગન્નાથનું સ્થાપન કરવું.
પતિ-પત્નીએ પીળાં વસ્ત્ર ધારણ કરીને ફૂલ, ધૂપ-દીપ કરીને વિધિવત્ પૂજન કરવું.
જગન્નાથજીને માલપૂઆનો ભોગ ધરાવવો.
ત્યારબાદ સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો અને ભગવાનને સંતાનપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
પછી માલપૂઆના બે સરખા ભાગ કરીને એક ભાગ પતિએ અને એક પત્નીએ ખાવો.
પરિવારમાં પ્રેમ વધારવો
ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રનાં ચિત્ર અથવા મૂર્તિની સ્થાપના કરવી.
ફૂલ ચઢાવીને ઘીનો દીવો કરવો.
ત્યારબાદ પરિવારના બધા જ લોકોએ બેસીને `હરિ બોલ – હરિ બોલ’નું કીર્તન કરવું.
ભગવાન જગન્નાથને માલપૂઆનો ભોગ ધરાવવો અને પરિવારના બધા જ લોકોએ પ્રસાદ ગ્રહણ કરવો.
ગ્રહપીડામાંથી મુક્તિ માટે
ભગવાન જગન્નાથનું સ્થાપન કરીને પીળાં વસ્ત્ર ધારણ કરી વિધિવત્ ધૂપ-દીપ કરીને પૂજન કરવું.
ભગવાનને ચંદનનું તિલક કરવું, તુલસીદળ અર્પણ કરવું અને માલપૂઆ સહિત યથાશક્તિ મીઠાઈઓનો ભોગ ધરાવવો.
પછી એકાગ્ર ચિત્ત થઈને ગજેન્દ્ર મોક્ષ અથવા ગીતાજીના અગિયારમા અધ્યાયનો પાઠ કરવો.
પછી ભગવાનને ધરાવેલો પ્રસાદ પોતે ખાવો અને અન્યને વહેંચવો.
આ પ્રસાદ આરોગનારી દરેક વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે. જીવનમાં આવતી બાધાઓ કે કષ્ટો દૂર થાય છે અને ગ્રહપીડામાંથી મુક્તિ મળે છે.