આજે ટીઆરપી મુદ્દે ચર્ચાનો સમય ન અપાતા વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ કરી માગણી
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં સમયની કોઇ પાબંધી હોતી નથી. સભાના અધ્યક્ષ મેયર હોય છે અને તે ધારે તો પ્રશ્નોતરીનું સેશન, સભ્યોના પ્રશ્નોની ચર્ચા માટે વધુ સમય ફાળવી શકે તે તેમની સતામાં આવે છે. આજે પ્રશ્નોતરી સેશનમાં પ્રથમ સવાલ ભાજપના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો હતો. રાજ્ય અને સરકારી ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨3-૨૪માં કઇ કઇ યોજના હેઠળ કેટલી રકમ મળી? તેમાથી ક્યા કામ થયા? તેનો અત-થી-ઇતિ સુધીનો હિસાબ માગ્યો હતો. કમિશનર દેવાંગ દેસાઇએ જાણે ઓડિયો રેકોર્ડિંગમાં કેસેટ ફીટ કરી હોય તેમ સળસળાટ જવાબ વાંચવા લાગ્યા હતા. ૨૫ મિનિટ સુધી સાંભળ્યા બાદ વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાથી ધીરજ ન રહી અને તેમણે મુકેલા ટીઆરપી કાંડને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે તેવી માગણી મુકી હતી. આ મુદ્દે છેવટ સુધી ધમાલ થયા બાદ વશરામ સાગઠિયાએ એવુ કહ્યુ હતુ કે, પ્રથમ સવાલની ચર્ચા ભલે તમારે કરવી હોય તેટલો સમય કરો. પણ ટીઆરપી કાંડને લગતા મારા સવાલ માટે તમે કહેશો એટલો સમય હું રાહ જોઇને બેસી રહીશ. છેવટે વશરામ સાગઠિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે, “જો શાસકો ટીઆરપીકાંડમાં દુધે ધોયેલા હોય તો ટીઆરપી પ્રકરણને લઇને ખાસ સામાન્ય સભા બોલાવવામા આવે. ખાસ સભા બોલાવવાની સતા જનરલ બોર્ડના અધ્યક્ષ પાસે છે જ. ટીઆરપી પ્રકરણમાં ભરી સભામાં, ખુલ્લા મંચ પર ચર્ચા કરવા આવો.”
કોંગ્રેસનો અનોખો વિરોધ, આખી સભામાં ‘સ્ટેન્ડીંગ’ રહ્યા
ટીઆરપી પ્રકરણ, છેલ્લ ચાર વર્ષમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ડિમોલિશનની કેટલી નોટિસ ઇશ્યુ કરી? તેમાથી કેટલા બાંધકામ તોડાયા? તેની ચર્ચા માટે વિપક્ષની માગણીને શરૂઆતમાં જ ઠુકરાવી દેવામા આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ઉભા ઉભા જ બોર્ડની કાર્યવાહીમાં ભાગ લેવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
મારી ચેમ્બરમાં આવો હું જવાબ આપીશ : જયમીન
બંધ બારણે શા માટે? ભરી સભામાં આપો : સાગઠિયા
ટીઆરપી પ્રકરણ અને ટીપી શાખાને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે એ માટે કોંગ્રેસ છેલ્લે સુધી અડીખમ અને મક્કમ રહી. આ ઉગ્રતા વચ્ચે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે એવુ કહ્યુ હતુ કે, મારી ચેમ્બરમાં આવજો, તમારે જે જવાબ જોઇતા હોય તે આપીશ. પ્રત્યુતરમાં વિપક્ષી વશરામભાઇ સાગઠિયાએ એવો પલટવાર કર્યો હતો કે, ટીઆરપીની ચર્ચા બંધ બારણે શા માટે? હિંમત હોય તો ભરી સભામાં આપો!
કમિશનર હડફેટે ચડી ગયા! વિપક્ષએ કહ્યુ ભ્રષ્ટાચારમાં થયેલા ખર્ચનો હિસાબ તો આપો
ભાજપના જ્યોત્સનાબેન ટીલાળાના સવાલનો જવાબ આપવા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની એક-એક યોજનાઓની ડિટેઇલવાઇઝ માહિતી આપતા હતા. પાછલા નાણાકીય વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી અને તેમાથી કેટલા કામ થયા તેનો હિસાબ અપાતો હતો ત્યારે જ વિપક્ષના સાગઠિયાએ કહ્યુ કે “સાહેબ, ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ થયો એ તો જરાક કહો!”
બંધારણ ઘડનારનો હું દીકરો છું, હું બંધારણનું અપમાન ન કરુ : સાગઠિયા
ભાજપની છાવણી તરફથી વિપક્ષ પર એવો હુમલો થયો હતો કે, જનરલ બોર્ડની ગરીમા ન જાળવવી એ કોંગ્રેસના સંસ્કાર છે. બંધારણનું માન કોંગ્રેસ જાળવતી નથી. એ સાંભળીને દલિત સમાજમાંથી આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયાએ કહ્યુ હતુ કે, બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ મારા પિતાતુલ્ય છે. હું તેમનો દીકરો છું. હું બંધારણનું અપમાન ન કરુ.
ટીઆરપીકાંડનો શોક ઠરાવ, સાથે મોદીની તાજપોશીનો અભિનંદન ઠરાવ
આજના જનરલ બોર્ડમાં અરજન્ટ પ્રસ્તાવમાં ટીઆરપી કાંડમાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને શોક ઠરાવ કરાયો હતો. સાથે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કરેલા તાજપોશીનો અભિનંદન ઠરાવ કરવામા આવ્યો હતો. જો કે આ બન્ને ઠરાવ થયો એ પહેલા વિપક્ષની હકાલપટ્ટી કરીને કાઢી મુકાયા હતા.
સાગઠિયા-ખેરના સસ્પેન્સના રિપોર્ટને મંજૂર કરવા અરજન્ટ દરખાસ્ત
જનરલ બોર્ડના એજન્ડામાં ૮ દરખાસ્ત હતી. તેમા આજે અરજન્ટ તરીકે બે દરખાસ્ત આવી હતી. જેમા ટીઆરપી કાંડ બાદ બેનામી સંપતીમાં ખુલ્લા પડેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર વાલાભાઇ ખેરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. આ સસ્પેન્સન રિપોર્ટનો ઠરાવ મંજૂર કરવામા આવ્યો હતો.