31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવરચિત વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન સરહદે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માટે એસ.પી. કચેરીના આદેશ મુજબ ભારતમાલા હાઈવે અને ખોડા ચેકપોસ્ટ પર રાત્રિ પેટ્રોલિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે ભારતમાલા હાઈવેના વાતડાઉ ચેકપોસ્ટ પરથી અંદાજિત 300 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે રૂ.33 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી છે.
વાહનોનું ઝીણવટભર્યું કરવામાં આવ્યું નિરીક્ષણ
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય. દારૂબંધી ઉપરાંત, પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. 31 ડિસેમ્બર નજીક આવતા જ પોલીસ હાલ પૂરેપૂરી સતર્ક છે અને સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


