* વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
* રણનાદનો અમર રખેવાળ- વીર જોગડા ઢોલીની અમર શૌર્ય અને સમર્પણ ગાથા.
* કલા, કર્તવ્ય અને કુરબાની- વીર જોગડા ઢોલી નો ઈતિહાસ.
ઇતિહાસના પાના જ્યારે જ્યારે પલટાય છે, ત્યારે ત્યારે સૌરાષ્ટ્રની ધરામાંથી એવી સુગંધ આવે છે જે આપણને યાદ અપાવે છે કે શૌર્ય માત્ર તલવારની ધારમાં નથી હોતું, પણ કલા અને કર્તવ્યના સંગમમાં પણ હોય છે.
સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર શૌર્ય અને કલાનો સંગમ જ્યારે રણમેદાનમાં ગુંજ્યો, ત્યારે એક ઢોલની થાપે ઇતિહાસ લખાયો હતો. “વીર જોગડા ઢોલી” ની કથા એ સૌરાષ્ટ્રના શૌર્ય અને લોકસાહિત્યનું એક અમર પ્રકરણ છે. તેઓ માત્ર એક ઢોલી નહોતા, પણ ‘રણનાદના રખેવાળ’ અને માતૃભૂમિ માટે બલિદાન આપનાર એક સાચા યોદ્ધા હતા. જોગડો ઢોલી જૂનાગઢના શાસક રા’ નવઘણના સમયમાં થઈ ગયા હોવાનું મનાય છે. ૧૧મી સદીના એ રણમેદાનમાં ખેલાયેલી “વીર જોગડા ઢોલી” ની કથા આજે ૨૧મી સદીના યુવાનો માટે પણ એક દીવાદાંડી સમાન છે. આજે આપણે “વીર જોગડા ઢોલી” ની શૌર્ય અને સમર્પણની ગાથા જાણીશું .
રા’ નવઘણ (નવઘણ પ્રથમ) ચુડાસમા વંશના પ્રખ્યાત શાસક હતા, જેઓએ જૂનાગઢ અને ગિરનાર વિસ્તારમાં 11મી સદી (અંદાજે ઈ.સ. ૧૦૨૫ થી ૧૦૭૪) આસપાસ શાસન કર્યું હતું. તેઓ શૂરવીરતા, રાજધર્મ અને પ્રજાપ્રેમ માટે જાણીતા હતા. આ ચુડાસમા વંશનું રાજ્ય સૌરાષ્ટ્રમાં મજબૂત ગણાતું હતું. નવઘણને લોકગાથાઓમાં ન્યાયી અને પ્રજાવત્સલ રાજા તરીકે ગવાય છે.
લોકગાથાઓ અનુસાર “જહાલ” એક મુસ્લિમ યુવતી હતી, જે કોઈ સંકટમાં ફસાઈ ગઈ હતી, કેટલાક વર્ણનોમાં તેને દુશ્મનો, સત્તાધીશો દ્વારા બળજબરીથી લઈ જવાઈ હતી અને જહાલ પર અન્યાય થઈ રહ્યો હતો, ત્યારે જહાલે રા ‘નવઘણ ને તે મુશ્કેલી માં છે એવી ચીઠી લખી ને મોકલી હતી, રા’ નવઘણે રાજધર્મ અને માનવતાનો આધાર લઈ તેની રક્ષા કરવાનો નિર્ણય કર્યો. સમાજમાં કોઈ કલંક ન લાગે અને તેની આબરુ સુરક્ષિત રહે, તેથી નવઘણે તેને પોતાની ધર્મની બહેન સ્વીકારી. આ પગલા પાછળના મુખ્ય આશય એ હતો કે સ્ત્રી નું સન્માન અને સુરક્ષા કરવી, માનવતા ધર્મથી ઉપર છે તેવો સંદેશ આપવો, રાજધર્મનું પાલન કરવું, સામાજિક સૌહાર્દનો દાખલો પૂરો પાડવો. આ પ્રસંગ દર્શાવે છે કે નવઘણ માટે માનવતા અને ન્યાય કોઈ એક ધર્મ કે જાતિ પૂરતો મર્યાદિત નહોતો.
રા’નવઘણ અને જહાલની ઘટના બતાવે છે કે સાચો શાસક તે જ છે, જે પ્રજાની ઈજ્જત અને સુરક્ષા માટે પોતાના ધર્મ-જાતિના ભેદને ભૂલીને કામ કરે. આ ઘટના સૌરાષ્ટ્રમાં હિંદુ-મુસ્લિમ એકતાને પ્રતીકરૂપ ઉલ્લેખાય છે.
હવે વાત ત્યારે શરૂ થઈ જ્યારે જૂનાગઢના રા’ નવઘણે પોતાની ધર્મની બહેન જહાલને સિંધના ક્રૂર શાસક હમીર સુમરાની ચુંગાલમાંથી છોડાવવા માટે કુચ કરી. સિંધના યુદ્ધમાં જ્યારે રા’નવઘણની સેના સિંધના માર્ગે હતી ત્યારે રણમાં રસ્તો ભટકી ગઈ, તેથી રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવી. કહેવાય છે કે સૈન્ય જ્યારે થાક્યું અને હિંમત હારવા લાગ્યું, અફાટ રણ, ખૂટી ગયેલું પાણી અને થાકેલું સૈન્ય, જ્યારે આશાના કિરણો ધૂંધળા થયા, ત્યારે ઉભો થયો એક મર્દ કલાકાર, જેનું નામ હતું “જોગડો ઢોલી.” ત્યારે જોગડાની દાંડીના એક એક પ્રહારથી શૂરવીરતા ફરી જાગી ઊઠી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ “સૌરાષ્ટ્રની રસધાર” માં જોગડા ઢોલીના પાત્રને અમરત્વ આપ્યું છે. મેઘાણી લખે છે કે, જ્યારે સિંધના રણમાં રા’નવઘણની સેનાના પગ થાકવા લાગ્યા હતા, ત્યારે જોગડાના ઢોલની એક થાપે આખા સૈન્યને બેઠું કર્યું હતું. મેઘાણીજીના શબ્દોમાં- “માથું પડ્યું ને ધડ લડ્યું, ઈ તો જુગ જૂની છે વાત, પણ જોગડા તારી દાંડીએ, રણ સિંધુનો રણનાદ”
યુદ્ધના એ ભયાનક દ્રશ્યનું વર્ણન કરતા મેઘાણી જણાવે છે કે, યુદ્ધ દરમિયાન એક સમયે એવી સ્થિતિ સર્જાઈ કે જો ઢોલ બંધ થાય તો સૈન્યની હિંમત તૂટી જાય તેમ હતી. શત્રુઓએ જોગડા ઢોલી પર હુમલો કર્યો, શત્રુની તલવાર જ્યારે જોગડાના ગળા પર ફરી વળી, ત્યારે આકાશ પણ સ્તબ્ધ થઈ ગયું હતું. પરંતુ, એ મસ્તક વગરનું ધડ જ્યારે ઢોલ વગાડતું રહ્યું, ત્યારે દુશ્મન સેનામાં ‘સાક્ષાત્ રુદ્ર’ ઉતર્યા હોય તેવો ફફડાટ મચી ગયો આ દ્રશ્ય જોઈને સિંધના સૈનિકો થથરી ગયા. તેમણે જોયું કે જેનું મસ્તક નથી, એવું ધડ પણ જોશમાં ઢોલ વગાડે છે. દુશ્મનોમાં એવી ફાળ પડી કે “આ માણસ નથી, પણ સોરઠનો કોઈ જોગડો (જોગી) છે જે શહીદ થઈને પણ લડે છે.” આ ભયને કારણે સુમરાની સેના પીછેહઠ કરવા લાગી. જ્યાં સુધી વિજય નિશ્ચિત ન થયો, ત્યાં સુધી તેમના હાથે ઢોલ પર દાંડી પડતી રહી. ઇતિહાસ કહે છે કે જોગડાનું ધડ ત્યાં સુધી શાંત નહોતું થયું જ્યાં સુધી રા’નવઘણે વિજયનો શંખનાદ ન કર્યો. કાર્ય પૂરું થયા પછી જ એ પવિત્ર આત્મા દેહમાંથી મુક્ત થયો હતો. આ ઘટનાને કારણે તેઓ ‘વીર’ તરીકે પૂજાયા.
વીર જોગડા વિશે કેટલીક એવી વાતો છે જે ઇતિહાસના ગર્ભમાં છે અને લોકવાયકાઓમાં જીવંત છે.
* રણજીત ઢોલ- જોગડા પાસે એક ખાસ ઢોલ હતો જેનું નામ ‘રણજીત’ હતું. માનવામાં આવે છે કે આ ઢોલ વગાડવાની તેમની શૈલી એવી હતી કે તેનાથી દુશ્મનના ઘોડાઓ થંભી જતા અને પોતાના સૈનિકોની એકાગ્રતા અને હિંમત દસ ગણી વધી જતી. તેનાથી સૈનિકોના થાકેલા અંગોમાં લોહી ઉકળવા માંડતું.
* કાયરતાનો કાળ- યુદ્ધમાં જોગડો હંમેશા સૌથી આગળની હરોળમાં રહેતો. તેમનો ઢોલ વાગતો હોય ત્યાં સુધી કોઈ સૈનિક પીઠ બતાવવાની હિંમત નહોતો કરતો.
* રણનાદનો રખેવાળ-પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઢોલનું મહત્વ અત્યંત હતું. ઢોલના તાલે સૈનિકોના લોહીમાં શૌર્યના ઉછાળા આવતા. જોગડો ઢોલી એવો કુશળ વાદક હતો કે તેમના ઢોલના ડંકા વાગતા જ કાયર પણ શૂરવીર બની જતો.
* તેમના ઢોલના અવાજને ‘રણનાદ’ કહેવામાં આવતો, જે દુશ્મનોના હૃદયમાં ફાળ પાડતો અને સ્વપક્ષના સૈનિકોમાં જોમ પૂરતો.
* લોકસાહિત્યમાં સ્થાન-આજે પણ ગુજરાતી ડાયરાઓ અને લોકસાહિત્યમાં જોગડા ઢોલીને ખૂબ આદર સાથે યાદ કરવામાં આવે છે. તેમના વિશે પ્રચલિત પંક્તિઓ જેવું જ તેજ તેમના વ્યક્તિત્વમાં હતું. “ધન્ય છે એ ઢોલીને, જેણે રણમેદાનમાં રણનાદ જગાવ્યો, પોતાના લોહીના ટીપે ટીપે, માતૃભૂમિનો યશ ગાયો.”
* કલા અને શૌર્યનો સંગમ- તેઓ સાબિત કરે છે કે શૌર્ય માત્ર તલવાર ચલાવવામાં જ નથી, પણ પોતાની કલા દ્વારા બીજામાં હિંમત જગાવવામાં પણ છે. આજે પણ અનેક સ્થળોએ જોગડા ઢોલીને શૌર્યના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે, ખાસ કરીને ઢોલી સમાજ અને ક્ષત્રિય પરંપરાઓમાં તેમનું નામ અમર છે.
* રા’ નવઘણે જોગડાના પરિવારને “રાજ-ઢોલી” તરીકેનું સર્વોચ્ચ સન્માન આપ્યું. જૂનાગઢના દરબારમાં જ્યારે પણ કોઈ મંગલ કાર્ય કે વિજય ઉત્સવ ઉજવાય, ત્યારે પ્રથમ માન અને પૂજા જોગડાના પરિવારને આપવામાં આવતુ. તેમને રાજ્યના રક્ષક સમાન ગણવામાં આવ્યા હતા.
આજે જ્યારે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે વીર જોગડાનું બલિદાન આપણને શીખવે છે કે, કલા માત્ર મનોરંજન માટે નથી, પણ સમાજ અને રાષ્ટ્રના રક્ષણ માટે પણ છે. જે કામ હાથમાં લિયો, તેમાં પ્રાણ રેડી દો, પછી ભલે પરિણામ ગમે તે હોય. જોગડો ઢોલી (તરગાળા/નાયક જ્ઞાતિ) એ વાતનું પ્રમાણ છે કે શૂરવીરતા કોઈ એક જ્ઞાતિની મર્યાદામાં નથી, તે લોહીના સંસ્કારમાં છે.
આજે પણ લગ્નપ્રસંગે થતું ‘ઢોલ પૂજન’ એ વીર જોગડાના આત્માને અપાયેલી અંજલિ છે. આ આર્ટિકલ દ્વારા આપણે એવા વીરને વંદન કરીએ છીએ જેણે મસ્તક આપીને પણ પોતાની ‘દાંડી’ એટલે કે પોતાની પ્રતિજ્ઞા છોડી નહોતી. રણમેદાનમાં ઢોલના તાલે શૌર્ય જગાડતા એ વીર યોદ્ધાની યાદ અપાવે છે, જેમણે પોતાની કલા અને પ્રાણ માતૃભૂમિ માટે અર્પણ કરી દીધા હતા.
આજે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે વીર જોગડાનું બલિદાન આપણને ત્રણ મુખ્ય બાબતો શીખવે છે,
૧. કલાનું સામાજિક ઉત્તરદાયિત્વ-
જોગડો માત્ર મનોરંજન માટે ઢોલ નહોતો વગાડતો, પણ અન્યાય સામે લડવા સૈન્યમાં પ્રાણ ફૂંકવા માટે ઢોલ વગાડતો હતો. આજની કલા પણ સમાજને જાગૃત કરનારી અને ઉપયોગી હોવી જોઈએ.
૨. વચનપાલન અને નિષ્ઠા-
પોતાના રાજા અને બહેનની આબરૂ માટે પ્રાણ ન્યોછાવર કરવાની તેમની ટેક, આજના સમયમાં ‘પ્રતિબદ્ધતા’ નો મોટો પાઠ આપણને શીખવે છે.
૩. જ્ઞાતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રભક્તિ-
જોગડો ઢોલી એ વાતનું પ્રતીક છે કે વીરતા કોઈ જ્ઞાતિની જાગીર નથી. જેની પાસે સંસ્કાર અને સાહસ છે, તે દરેક વ્યક્તિ ઇતિહાસ રચી શકે છે. આજે પણ સૌરાષ્ટ્રમાં થતાં લગ્નમાં ઢોલનું પૂજન એ વીર જોગડાના એ પવિત્ર ઢોલની યાદ અપાવે છે જેણે એક બહેનની આબરૂ બચાવવા માટે મસ્તક કપાયા પછી પણ રણનાદ ચાલુ રાખ્યો હતો. આ પરંપરા આપણને યાદ અપાવે છે કે આપણી સંસ્કૃતિમાં કલાકારનું સ્થાન પૂજનીય છે. વીર જોગડા ઢોલીનું બલિદાન એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પણ એક અહેસાસ છે, એ અહેસાસ કે જ્યાં સુધી સત્ય અને ન્યાય માટે ‘રણનાદ’ ગુંજતો રહેશે, ત્યાં સુધી જોગડા જેવા વીરો આ ધરા પર અમર રહેશે. વીર જોગડા ઢોલીની શૌર્યગાથાને વર્ણવતા અનેક દુહાઓ અને ગીતો લોકસાહિત્યમાં પ્રચલિત છે જેમાં,
“ધન્ય સોરઠની ધરા, જ્યાં જોગડા જેવો વીર, ઢોલ ઉપર દાંડી પડે, ને સિંધમાં ધ્રૂજે તીર!”
“ધન્ય છે એ ઢોલીને, જેના ઢોલની દાંડીએ ડરપોકને પણ શૂરવીર બનાવી દીધા અને જેનું લોહી સિંધની ધરતી પર રેલાયું ત્યારે માતૃભૂમિનો વિજયધ્વજ ફરક્યો.”
“ગડગડિયું આભ ગુંજ્યું, ને વાગ્યા રણના ઢોલ, કેસરીયા વાઘા સજ્યા, નવઘણના અનમોલ… જોગડો ધ્રુસકે ગાજતો, સિંધના સીમાડે આજ, બેની જહાલની આબરૂ, રાખવા સોરઠનું રાજ!”
જોગડા ઢોલીની યાદમાં સ્મારકો અને લોકગીતો રચાયા છે. આજે પણ સૌરાષ્ટ્રમાં જ્યારે કોઈ મર્દની વાત આવે, ત્યારે ‘જોગડા ઢોલી’નું નામ લેવાય છે.
વીર જોગડા ઢોલીની ગાથા આપણને યાદ અપાવે છે કે સાચું શૌર્ય હથિયારમાં નહીં, પરંતુ હૃદયની નિષ્ઠા અને કર્તવ્યપ્રેમમાં વસે છે. મસ્તક વિના પણ ઢોલ વગાડતી તેમની પ્રતિકાત્મક છબી એ સંદેશ આપે છે કે જે કાર્ય માટે પ્રાણ અર્પણ કરીએ, તે કાર્ય અમર બની જાય છે. આજના યુગમાં, જ્યારે સમાજને જાગૃતિ, એકતા અને જવાબદારીની જરૂર છે, ત્યારે જોગડાની દાંડીનો રણનાદ આપણને ફરી સંભળાય છે, ન્યાય માટે ઊભા રહેવા, કલાને કર્તવ્યમાં રૂપાંતરિત કરવા અને માનવતાને સર્વોચ્ચ માન આપવા, જ્યાં સુધી સત્ય માટે અવાજ ગુંજતો રહેશે, ત્યાં સુધી જોગડા ઢોલીનું નામ સૌરાષ્ટ્રની સુગંધ સાથે અમર રહેશે.
બાબુભાઇ મેનપરા
નિવૃત અધિકારી, BSNL


