રાજયપાલ અને મહાનુભાવોના હસ્તે ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સંસ્કૃત યુની.નો 18 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આધુનિક પેઢીમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુની.ના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો. ૯૦ર છાત્રોને પદવી-પ્રમાણપત્રો અપાયા હતાં.
વધુમાં આપણે જે ઈતિહાસ ભણીએ છીએ એ બહારના લોકોએ લખેલો છે. આપણા ઋષિમુનિઓએ ભારતના પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિનું જે રીતે વર્ણન કરેલું છે તેને જીવનમાં ઉતારવાની આજે નિતાંત આવશ્યકતા છે. આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે માતા-પિતા પોતાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે તે માટે ગર્વ લે છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો ભારતમાં જ્ઞાનપ્રાપ્ત કરવા માટે આવતા હતાં. જે ભારતની તે સમયની શ્રેષ્ઠતાને દર્શાવે છે. ભારત પુરાતનકાળમાં ૨૨ પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું. મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિમુનીઓએ અનેક પ્રકારના સંશોધન કરીને જે જ્ઞાન અર્જિત કર્યું હતું.
આ સમારોહમાં વિદ્યાર્થીઓને 25 સુવર્ણ પદક અને 6 રજત પદક મળી કુલ 31 જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યાં હતા. યુની.માં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી 18 માં પદવીદાન સમારોહમાં 363 (બી.એ.) શાસ્ત્રી, 20 (બી.એ.બી.એડ.) શાસ્ત્રી-શિક્ષાશાસ્ત્રી, 246 (એમ.એ.) આચાર્ય, 208 પી.જી.ડી.સી.એ., 54 (બી.એડ.) શિક્ષાશાસ્ત્રી અને 11 (પીએચ.ડી.) વિદ્યાવારિધિ એમ કુલ 902 ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. આ સાથે વિશેષમાં ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ તથા સંસ્કૃત યુની. વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત છાત્રોત્કર્ષ વર્ષ 25/26 અંતર્ગત શોધાર્થી ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-26 અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી. આ તકે ત્રણ ત્રણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.


