- અમિત શાહે SCના નિર્ણયને આવકાર્યો
- 5 ઑગષ્ટ, 2019એ આપ્યો હતો ચુકાદો
- કેન્દ્ર સરકારનો નિર્ણય ‘સંપૂર્ણપણે ન્યાયી’ હતો: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્ય સાથે સંબંધિત કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ નિર્ણય સાબિત કરે છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય ‘સંપૂર્ણપણે ન્યાયી’ હતો અને ‘બંધારણીય’ હતો.
અમિત શાહે આ નિર્ણય આવકાર્યો
અમિત શાહે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું, જેણે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.” તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો ‘દૂરદર્શી’ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પાછી આવી છે. પ્રગતિ અને વિકાસે ઘાટીમાં માનવ જીવનને નવો અર્થ આપ્યો છે. “પર્યટન અને કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના રહેવાસીઓની આવકના સ્તરમાં વધારો કર્યો છે.” તેમણે કહ્યું, “સુપ્રિમ કોર્ટના આજના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.”
30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી કરાવવા પગલા લેવા જોઇએ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખતા સોમવારે કહ્યું હતું કે આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે પગલાં લેવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ નિર્દેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.
શું કહ્યુ ચીફ જસ્ટિસે ?
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોતાના અને જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાંત માટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે બંધારણની કલમ 370 અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવાના 5 ઓગસ્ટ, 2019ના નિર્ણયની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું. આ દિવસે, કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી હતી અને અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું.


