- ટાટાએ ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનુ વચન આપ્યું હતું, જે પાળ્યુ છે
- રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે : માઇક્રોન ટેક્નોલોજીના CEO
- ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું: જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓ આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એકસાથે જોવા મળ્યા હતાં.
ટાટાએ ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનુ વચન આપ્યું હતું, જે 2024માં શરૂ થઈ જશે
એન. ચંદ્રશેખરન ટાટા સન્સે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ઈકોનોમિક ડેવલપમેન્ટની અસર દેખાય છે. ગુજરાત ગેટ વે ઓફ ફ્યુચર તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે. 1939માં ટાટા કેમિકલથી શરૂઆત કરી હતી જે હવે અનેક ક્ષેત્રોમાં આગળ વધી છે. તાજેતરમાં અમે અમારું કાર્યક્ષેત્ર વધારવાનો નિર્ણય કર્યો હતો. સાણંદમાં પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, જે થોડાં મહિનામાં શરૂ થશે. ધોલેરામાં પણ પુરઝડપે કામ ચાલે છે. ટાટાએ ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનુ વચન આપ્યું હતું, જે 2024માં શરૂ થઈ જશે. માર્ચ 2024માં આ પ્રોજેક્ટ શરૂ થશે. ગુજરાત ટાટા ગ્રુપ માટે મહત્વનું ડેસ્ટીનેશન છે.
રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે : માઇક્રોન ટેક્નોલોજીના CEO
માઇક્રોનના પ્રેસિડન્ટ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે. રોકાણકારોના વિશ્વાસનો પર્યાય એટલે ગુજરાત, મને ખૂબ આનંદ છે કે ગુજરાતમાં વેપારનો મહાકુંભ યોજાયો છે. રોકાણનું ઉત્તમ સ્થળ એટલે ગુજરાત. અમે સાણંદમાં પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં પ્રોજેક્ટ સ્થાપીશું. મારા માટે આ ગર્વની વાત છે કે આ સ્ટેજ મને મળ્યું છે. ભારત માટે સેમિકન્ડક્ટરમાં બહુ મોટી તક છે. માઈક્રોન દુનિયાની મોટી સેમિકન્ડક્ટર કંપની છે. ટાટા સાથે પાર્ટનર બનવા બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. માત્ર માઈક્રોન અને ગુજરાત અને ભારત માટે નહિ પણ દુનિયા માટે પ્રોડક્શન કરીએ.
ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું: જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ
જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ શિહિરો સુઝુકીએ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીનો ખૂબ સપોર્ટ રહ્યો છે. ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું છે. ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધી છે. 1.7 ગણું પ્રોડક્શન અને 2.7 નિકાસની અમે 10 વર્ષ પહેલા અપેક્ષા રાખતા હતા પણ અમને સપોર્ટ મળ્યો છે એટલે અમે આગળ પણ રોકાણ કરીશું. ભારતમાં પ્રોડક્શન કરીને જાપાન અને યુરોપિયન દેશમાં એકસપોર્ટ કરીશું. ઈવી પ્રોડક્શનને પણ વધારીશું અને 204 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ છીએ. 2.5 લાખ યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકશે. 7.5 લાખ 1 મિલિયન યુનિટ સુધી ઉત્પાદન થશે. બીજા પ્લાન્ટના માટે અમે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ.


