- 16 ડિસેમ્બર ઉજવાય છે વિજય દિવસ તરીકે
- પીએમ મોદીએ જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ
- ભારત જવાનોની હિંમતને સલામ કરે છે
દર વર્ષે 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. 16 ડિસેમ્બર 1971ની ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક દેશવાસીના હૃદયમાં જોશ અને ઉત્સાહથી ભરે છે. ત્યારે પીએમ મોદીએ વિજય દિવસ મહત્વની ભૂમિકા ભજવનાર સેનાના જવાનોને કશ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
વિજય દિવસના અવસર પર પીએમ મોદીએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હયું કે 1971 માં ભારતની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર તમામ બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપુ છું. તેમની બહાદુરી અને સમર્પણ રાષ્ટ્ર માટે અપાર ગૌરવનો સ્ત્રોત છે. તેમનું બલિદાન અને અતૂટ ભાવના લોકોના હૃદયમાં અને આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં હંમેશ માટે અંકિત રહેશે. ભારત તેમની હિંમતને સલામ કરે છે અને તેમની અદમ્ય ભાવનાને યાદ કરે છે.
કેમ ઉજવાય છે વિજય દિવસ ?
16મી ડિસેમ્બર એ સૈનિકોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 1971માં આ દિવસે ભારતીય સેનાની બહાદુરી સામે પાકિસ્તાન સેનાએ આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશને આઝાદી મળી હતી. આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું હતું, આજે આખો દેશ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી અને બલિદાનને સલામ કરી રહ્યો છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ પોતાના 93 હજાર સૈનિકો સાથે યુદ્ધમાં લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાને કોઈ પણ શરત વિના આત્મસમર્પણ કર્યું હતું. અરોરા આ યુદ્ધમાં ભારતીય સેના અને મુક્તિ વાહિનીના સંયુક્ત દળનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ યુદ્ધના પરિણામે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું.


