હવે મનપાના જનરલ બોર્ડમાં બેસી શકશે કોંગ્રેસના ચારેય નગરસેવકો
રાજકોટ મનપાના રાજકારણમાં કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો હોય તેવો કાનૂની વળાંક આવ્યો છે. ધારાસભાની ચૂંટણી વખતે કોંગ્રેસથી છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ મહાપાલિકામાંથી પણ ડિસ્ક્વોલિફાઇ કરવા માટે સરકારમાં દરખાસ્ત થઇ હતી. જેની સામે વશરામભાઇ અને કોમલબેન બન્ને હાઇકોર્ટમાં ગયા હતા અને વોર્ડ નં.૧૮ના આ બન્ને કોંગી નગરસેવકોની જગ્યાએ પેટા ચૂંટણી માટે ભાજપે તૈયારી પણ શરૂ કરી દીધી હતી. દરમિયાન ભાજપને કાનૂની લપડાક મળી છે અને વશરામભાઇ તેમજ કોમલબેન બન્ને કોંગ્રેસના નગરસેવક તરીકે યથાવત રહેશે તેવો ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે.
નામદાર હાઇકોર્ટમાં લાંબી લડત પછી વિજય થયા બાદ કોંગી નગરસેવક વશરામભાઇ અને કોમલબેને પત્રકાર પરિષદ યોજી હતી. જેમા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વશરામભાઇ અને કોમલબેને જણાવ્યુ હતુ કે, સત્યનો હંમેશા વિજય થાય છે. અમને જ્યારે ગેરલાયક ઠેરવવામા આવ્યા ત્યારે જ અમારી રજૂઆત હતી કે, આ ખોટી રીતે મ્યુનિસિપલ એક્ટની વિરુધ્ધ જઇને નિર્ણય લેવામા આવ્યો છે. પરંતુ લોકશાહીનું ચિરહરણ કરીને ભાજપે તો વોર્ડ નં.૧૮માં બે બેઠક પર પેટા ચૂંટણીની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પેટા ચૂંટણી ન થાય એ માટે અમે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અમારા વકિલ ચિંતનભાઇ ચાપાનેરીની રજૂઆત સાંભળીને હાઇકોર્ટે પેટા ચૂંટણી પર સ્ટે આપ્યો હતો.
લાંબી કાનૂની લડત બાદ તા.૧૬ ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વૈભાવી ડી.નાણાવટીએ સિવિલ એપ્લિકેશન નંબર ૪૯ જે ૨૦૨3 અન્વયે બંધારણની આર્ટિકલ ૨૨૬ મુજબ મળેલ સતાનો માન્ય નામદાર હાઇકોર્ટે સદઉપયોગ કર્યો છે અને અમારા ઉપર થતા અન્યાયમાંથી અમને ઉગારી લીધા છે. વશરામભાઇ અને કોમલબેન વતી વિકલમાં પ્રથમ દિવ્યેશભાઇ નિમાવત રોકાયા હતા. તે પછી ચિંતનભાઇ ચાપાનેરીએ લડત આપી હતી.