આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા લોક માનસ પર છવાઈ ગઈ છે. જે શિક્ષકો વિદ્યાર્થીઓને સ્કૂલમાં અંધશ્રદ્ધા વિશે જ્ઞાન આપતા હોય છે તે જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા અંગેની પ્રવૃત્તિ કરાવતા હોવાની ઘટના સામે આવી છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શિક્ષકો જ એક વિદ્યાર્થીને ધુણાવતા હોવાનું જણાઈ રહ્યું છે. આ વીડિયો દિયોદરની સ્કૂલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ લઈ જવામાં આવ્યા હતાં
થોડા દિવસ પહેલા બનાસકાંઠાના કાંકરેજના તાંણા ગામની પ્રાથમિક શાળાના એક બાળકનો ધૂણવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે ફરીવાર દિયોદરની સ્કૂલના એક વિદ્યાર્થીનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્કૂલ પ્રવાસ દરમિયાન શિક્ષકો દ્વારા જ એક વિદ્યાર્થીને ધૂણાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિયોદરની એક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ લઈ જવામાં આવ્યા હતાં અને ત્યાં શિક્ષકો દ્વારા જ એક વિદ્યાર્થીને ધૂણાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં
તાજેતરમાં બનાસકાંઠામાં અંધશ્રદ્ધા અંગેની જાગૃતિ માટે ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે બબાલ થઈ હતી. આ ઉપરાંત થોડા દિવસ પહેલા કાંકરેજના તાંણા ગામની પ્રાથમિક શાળાના બાળકનો ધૂણવાનો વીડિયો વાયરલ થયો હતો. જે શિક્ષકો વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી તેવું શિક્ષણ આપે છે અને વિજ્ઞાન અંગે બાળકોને ભણાવવામાં આવે છે. તે જ શિક્ષકો બાળકોને ધૂણાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.


