સૌરાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલા ‘હાઈ-વોલ્ટેજ ડ્રામા’ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને દલિત અગ્રણી રાજુ સોલંકી વચ્ચેના વર્ષો જૂના મનદુઃખ અને તાજેતરના વિવાદનો આજે ગોંડલ ખાતે સુખદ અંત આવ્યો છે. આ સમાધાન માત્ર બે પરિવારોનું જ નહીં, પરંતુ ક્ષત્રિય અને દલિત સમાજ વચ્ચેના તણાવને ડામવાનો એક મોટો રાજકીય દાવ માનવામાં આવી રહ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ
જૂનાગઢમાં જયરાજસિંહના પુત્ર ગણેશ અને રાજુ સોલંકીના પુત્ર સંજય વચ્ચે થયેલી ઉગ્ર બબાલ બાદ ગણેશ જાડેજાને અપહરણ અને એટ્રોસિટીના કેસમાં જેલ જવું પડ્યું હતું. સામા પક્ષે ઓગસ્ટ 2025માં રાજુ સોલંકી વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ થતા તેઓ સુરત જેલમાં ધકેલાયા હતા. મહિનાઓની કાયદાકીય લડાઈ બાદ, આજે બંને પક્ષોએ ભૂતકાળ ભૂલીને એકબીજાને ગળે લગાવ્યા છે. આજે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન કરવામાં આવ્યું છે.
રીબડા ફેક્ટર અને ગંભીર આક્ષેપો
આ સમાધાનમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજુ સોલંકીએ નિવેદન આપ્યું કે, હું માત્ર એક મોહરું બન્યો હતો. તેમણે જયરાજસિંહના કટ્ટર હરીફ અનિરુદ્ધસિંહ રીબડા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા. જયરાજસિંહે પણ આ આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા પાછળ રીબડા જૂથનો હાથ હોવાનું જણાવ્યું છે.
પૈસાની લેતી-દેતી કે સામાજિક એકતા?
સોશિયલ મીડિયા પર ‘તોડપાણી’ના આક્ષેપો વચ્ચે રાજુ સોલંકીએ સ્પષ્ટતા કરી કે, જો મારે પૈસા જ લેવા હોત તો જયરાજસિંહની 2 કરોડની ઓફર સ્વીકારી હોત, 35 લાખ નહીં. જયરાજસિંહે પણ ઉમેર્યું કે, કોઈ આર્થિક વ્યવહાર થયો નથી, માત્ર ગરીબ દીકરીઓના સમૂહ લગ્નમાં ભોજનનો સહયોગ આપવાનું નક્કી થયું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે,, ગણેશ ગોંડલની આગામી ચૂંટણીની તૈયારીઓ અને સામાજિક સમીકરણો સાચવવા માટે આ સમાધાન અનિવાર્ય હતું. જોકે, દલિત સમાજના એક વર્ગમાં આ ઓચિંતા સમાધાનને લઈને આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – Surendranagar: પૂર્વ MLA જયરાજસિંહ, પુત્ર ગણેશને સુરેન્દ્રનગર SP કચેરીએ બોલાવાયા


