ચતુરાનન (બ્રહ્માજી) નારદજીને વિજયા એકાદશીની કથા કહી સંભળાવે છે. `ભગવાન રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા સીતાજી અને લક્ષ્મણ સાથે વનમાં વિચરણ કરતાં કરતાં પંચવટીમાં આવીને રહ્યાં હતાં. સમુદ્રમંથન વખતે શિવજીએ ઝેર પચાવ્યું હતું તેમ પંચવટીમાંથી સીતાના હરણને શ્રીરામ જ પચાવી શક્યા છે. રાવણ સીતા માતાનું હરણ કરી ગયો. રામ-લક્ષ્મણ જટાયુને મળે છે. સીતાની સઘળી હકીકત કહી જટાયુ મૃત્યુ પામે છે. રામને સુગ્રીવનો સાથ મળે છે, વાનરસૈન્યની સહાય મળે છે.’
હનુમાનજીએ સીતાજીને અશોકવનમાં જોયાં, શ્રીરામની મુદ્રિકા આપી અને અશોકવન ખેદાનમેદાન કરી નાખ્યું, પછી લંકાદહન કર્યું. સમુદ્ર પાર કરવા માટે લક્ષ્મણે કહ્યું કે, `આપણે મહર્ષિ બદકાલભ્યને જઈને મળીએ. બાજુમાં જ તેમનો આશ્રમ છે.’ ત્યારબાદ બધા આશ્રમમાં ગયા. શ્રીરામે કહ્યું, `મુનિવર્ય, લંકા જીતવા માટે વાનરસેના સહિત અમે સમુદ્રકિનારે આવ્યા છીએ, પરંતુ સમુદ્રનું પાણી તો ઊંડું છે. સમુદ્ર ઓળંગવા માટે આપ અમને ઉપાય બતાવો.’
બદકાલભ્ય મુનિ તો ત્રિકાળજ્ઞાની હતા. તેઓ સમજી ગયા કે શ્રીરામ તો આદિ દેવ છે. તેમણે સંજોગવશાત્ આ માનવ રૂપ ધારણ કર્યું છે. વૈદેહીની તપાસ માટે શ્રીરામ પરિશ્રમ કરી રહ્યા છે. મનુષ્ય રૂપે જો રામ ન રડે તો તેમનું પતિત્વ અધૂરું ગણાય. સંસારરૂપી સમુદ્ર પાર કર્યા સિવાય સીતાજીનો સાક્ષાત્કાર થતો નથી.
મુનિવર્ય સલાહ આપે છે કે, `તમે મહા વદ એકાદશીનું વ્રત કરો. વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને જરૂર વિજય પ્રાપ્ત થશે. સુગ્રીવ અને હનુમાનજીની આપને સહાય છે. હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ સેવક હતા. જ્યારે જીવને હનુમાનજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી જોડે મૈત્રી થાય છે અને તે અષ્ટાંગ બ્રહ્મચર્યના પવિત્ર ગુણ પ્રત્યે નિષ્ઠા કેળવે છે ત્યારે એને સાહજિક રીતે પ્રભુ પ્રત્યે પ્રીત બંધાય છે. હનુમાનજી અને સુગ્રીવ જેવા સાથી મળ્યા છે. માટે તમારો વિજય હાથવેંતમાં છે.’ સંતોનું કામ જ સદ્માર્ગે વાળવાનું હોય છે.
જીવનના તંત પૂરા થયા હોય તે સંત. બ્રહ્માજીને પણ ગુરુજીના શરણે જવું પડ્યું હતું. આથી રામ-લક્ષ્મણ બદકાલભ્ય મુનિની સલાહ લેવા આવ્યા છે. મુનિ તો જાણે જ છે કે શ્રીરામ તો સ્થિતપ્રજ્ઞ છે, દૃઢ વ્રતધારી છે, ધર્મના રહસ્યને જાણનારા છે, કામ-ક્રોધને જીતનારા છે, સંયમી અને તેજસ્વી જ્યોતિર્ધર છે, પરાક્રમી, વીર, ધીર અને ઉદાત્ત ચારિત્ર્યવાળા છે. શ્રીરામ તો સર્વગુણ સંપન્ન છે અને પરમ પ્રેમાસ્પદ છે. સંસારમાં હેતુ વિના હેત કરનાર માત્ર શ્રીરામ અને સંત જ છે.
બદકાલભ્ય ઋષિ કહે છે, `વિજયા એકાદશીનું વ્રત કરવાથી જરૂર તમારો વિજય થશે અને સમુદ્ર પર સેતુ બાંધવા તમે શક્તિમાન થશો.’ ત્યારબાદ મુનિએ આ વ્રત કરવાની વિધિ જણાવતાં કહ્યું કે, `મહા વદ દશમના દિવસે માટીનો, તાંબાનો કે સુવર્ણનો ઘડો લઈ તેમાં પવિત્ર જળ ભરી આસોપાલવનાં પાન મૂકી સ્થાપના કરવી. ભગવાન નારાયણની મૂર્તિ આસન પર પધરાવવી.’
એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાનવિધિથી પરવારી ઘડાની નારિયેળ તથા ફળફળાદિ વગેરે દ્વારા પૂજા કરવી, તેના પર જવના દાણાનો છંટકાવ કરવો. ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સમર્પણ કરવું. આખી રાત જાગરણ કરવું. પુરુષોત્તમ નારાયણનું ભજન-કીર્તન કરવું. દ્વાદશીના દિવસે વહેલી સવારે મૂર્તિ સાથે ઘડાનું જળાશયમાં વિસર્જન કરવું અને વિદ્વાન બ્રાહ્મણને મૂર્તિ તથા ઘડો દાનમાં આપવાં. આ વ્રત વિધિ અનુસાર કરવાથી જરૂર તમારો વિજય થશે.’ શ્રીરામે મુનિવર્યના આદેશ અનુસાર વિજયા એકાદશીનું અનુપમ વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવને લીધે તેમનો વિજય થયો હતો એ કથા ખૂબ જ પ્રચલિત છે. આ વ્રત કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે. જીવનમાં તે વિજય મેળવે છે, મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેનાં સર્વ પાપો નષ્ટ થાય છે અને વ્રતકથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે.