- રોહિત શર્મા વર્લ્ડ કપમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી
- દક્ષિણ આફ્રિકા સામે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા
- પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી રહ્યો છે. રોહિત શર્માએ લગભગ દરેક મેચમાં ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી છે. રવિવારે રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. જો કે ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રોહિત શર્માની તોફાની બેટિંગ અને રણનીતિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે શું કહ્યું?
ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે રોહિત શર્મા શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ખાસ કરીને ઓપનર તરીકે રોહિત શર્માનો અભિગમ પ્રશંસનીય છે. જોકે, આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા માત્ર એક જ વખત સદીનો આંકડો પાર કરી શક્યો છે, પરંતુ દરેક મેચમાં ટીમને ઝડપી શરૂઆત આપી રહ્યો છે. તેણે કહ્યું કે આ રીતે રમવાનો વિચાર ખુદ રોહિત શર્માનો છે, તે પોતે જ જવાબદારી લઈ રહ્યો છે. રોહિત શર્મા જે રીતે રમી રહ્યો છે તે ટીમ ઈન્ડિયાના હિતમાં છે. સાઉથ આફ્રિકા સામે રોહિત શર્માએ લુંગી એનગિડી અને માર્કો જાનસેનને સેટલ થવાની તક આપી ન હતી. તેથી, બંને બોલરો યોગ્ય લાઇન લેન્થ માટે સંઘર્ષ કરતા રહ્યા.
‘અમે બને તેટલા રન બનાવવા માંગીએ છીએ’
વિક્રમ રાઠોડે કહ્યું કે અમે બને તેટલા રન બનાવવા માંગીએ છીએ. રોહિત શર્મા અને શુભમન ગિલ જે રીતે શરૂઆત કરી રહ્યા છે, તે પછી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન પોતાનો સમય કાઢીને રમી શકે છે. તેણે એમ પણ કહ્યું કે કેશવ મહારાજ કોલકાતાની વિકેટ પર ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ અમારી ટીમે જે પ્રકારની શરૂઆત કરી, બાકીના બેટ્સમેનોને સમય કાઢીને રમવાની તક મળી. આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ હતો અને અમે તેમાં સફળ રહ્યા.