સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક એવા વાયરલ વીડિયો સામે આવે છે કે જેને જોઈને લોકો ચોંકી જાય છે અને મનમાં તરત જ સવાલો ઊભો થાય છે કે આ ઘટના સાચી છે કે નહીં. હાલ પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં statue of libertyની એક વિશાળ પ્રતિકૃતિ તૂટી પડતી જોવા મળે છે, જેને લઈ લોકોમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
સમ્રગ ઘટના
દક્ષિણ બ્રાઝિલમાં સોમવાર, 15 ડિસેમ્બરે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલા ગુઆઇબા શહેરમાં પવનના જોરદાર ઝાપટાને કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક વિશાળ પ્રતિકૃતિ તૂટી પડી. આ ઘટના પોર્ટો એલેગ્રે નજીક આવેલા હવન (Havan) રિટેલ સ્ટોરના કાર પાર્કમાં બની હતી. લગભગ 24 મીટર ઊંચી આ પ્રતિકૃતિ ફાસ્ટ-ફૂડ આઉટલેટની બાજુમાં સ્થાપિત કરવામાં આવી હતી. સદનસીબે, ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઈજાના અહેવાલ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, વિસ્તાર લગભગ ખાલી હતો, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રતિમાને ધીમે ધીમે નમતી અને પછી જમીન પર પડી જતી જોઈ શકાય છે. આ દરમિયાન નજીકના વ્યસ્ત માર્ગ પર વાહનો સતત પસાર થઈ રહ્યા હતા. કેટલાક વીડિયોમાં વાહનચાલકોને તાત્કાલિક પોતાના વાહનો દૂર ખસેડતા પણ જોવા મળે છે, કારણ કે માળખું પડી પડવાનું શરૂ થયું હતું.
90 કિમી પ્રતિ કલાકથી વધુ પવનની ઝડપ
બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સી ડેફેસા સિવિલ અનુસાર, વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નોંધાઈ હતી, જે નાના વાવાઝોડા જેવી જ ગણાય. વર્ષ 2020માં સ્થાપિત અને ઇજનેરો દ્વારા પ્રમાણિત આ પ્રતિમા 11 મીટર ઊંચા કોંક્રિટ બેઝ પર ઉભી હતી, છતાં જોરદાર પવન સામે ટકી ન શકી. સ્થાનિક નાગરિક સંરક્ષણ વિભાગે વહેલી સવારે જ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. રહેવાસીઓને ઘરમાં જ રહેવા, વિદ્યુત ઉપકરણોને ડિસ્કનેક્ટ કરવા અને દરવાજા-બારીઓ મજબૂત રીતે બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી.
તપાસના આદેશ
નાગરિક સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રતિમા કેમ પડી તે જાણવા માટે ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવાની ભલામણ પણ કરવામાં આવશે.
હવન સ્ટોર્સ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
હવન બ્રાઝિલની સૌથી મોટી રિટેલ ચેઇન પૈકી એક છે, જેના દેશભરમાં 180થી વધુ સ્ટોર્સ છે. આમાંથી લગભગ 70 સ્ટોર્સની બહાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. હવનના સ્થાપકો આ પ્રતિકૃતિને “અમેરિકન ડ્રીમ”થી પ્રેરિત ખરીદીની સ્વતંત્રતાના પ્રતીક તરીકે જુએ છે. હાલ આ ઘટના સંબંધિત વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને દક્ષિણ બ્રાઝિલમાં આવેલા આ વાવાઝોડાની તીવ્રતા વિશે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. જો કે આ વીડિયોની પુષ્ટી સંદેશ ન્યૂઝ કરતું નથી


