સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના રૂવાટાં ઊભા થઈ ગયા છે. આમાં ઘણા લોકો બરફમાં થીજી ગયેલા ધોધની નીચે ઉભા રહીને મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ બીજી જ ક્ષણે ત્યાં એક ભયંકર અકસ્માત થયો અને આનંદ અને ખુશીનું વાતાવરણ ચીસોમાં ફેરવાઈ ગયું.
વોટરફોલ પર માણી રહ્યા હતા મજા
પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ચીનનો છે અને આ હૃદયદ્રાવક ઘટના 5 જાન્યુઆરીએ શાંક્સીના ઝિઆન સ્થિત હેઇશાંચા વોટરફોલ પર બની હતી. જ્યારે એક ટનથી વધુ વજનનો બરફ અચાનક ધોધની નીચે મજા માણી રહેલા પ્રવાસીઓ પર પડ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ અકસ્માત બાદ લોકો ચીસો પાડી રહયા છે. પ્રવાસીઓ તરત જ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. પરંતુ તેમાંથી એક બરફથી અડફેટે આવતા અથડાઈને ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસને સાવચેતીના પગલારૂપે પ્રવાસીઓ પર આ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઇન્સ્ટાગ્રામ વિડિયો સોશિયલ પ્લેટફોર્મ પર થયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ પર @livingchina નામના એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને યુઝરે લખ્યું છે કે આ પ્રકારનો બર્ફીલા ધોધ ખૂબ જ ખતરનાક હોય છે. આવા સ્થળોએ તમારે સલામત અંતર જાળવવું જોઈએ. વીડિયો જોયા બાદ નેટીઝન્સ ચોંકી ગયા છે. એક યુઝરે કમેન્ટ કરી કે લોકો બાળકો સાથે આવી જગ્યાએ કેમ જાય છે. આમાં વહીવટીતંત્રનો કોઈ દોષ નથી. અન્ય યુઝર કહે છે કે મને કેમ લાગે છે કે બરફની નીચે કેટલાક વધુ લોકો દટાયેલા છે? અન્ય એક યુઝરે લખ્યું હતું કે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.


