- વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં તેની 49મી સદી પૂરી કરી
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી
- વિરાટ કોહલીએ આ ખાસ સિદ્ધિ 289 મેચમાં હાંસલ કરી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડકપ 2023માં તેની બીજી સદી ફટકારીને, તેણે ODI ક્રિકેટમાં તેની 49મી સદી પૂરી કરી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. વિરાટે પોતાની 289મી મેચમાં જ આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સચિને તેની સમગ્ર ODI કારકિર્દીમાં 463 મેચ રમીને 49 સદી ફટકારી હતી. જો કોહલી આગામી મેચોમાં બીજી સદી ફટકારવામાં સફળ થશે તો તે સચિનને પાછળ છોડી દેશે. આ મેચમાં વિરાટ કોહલી 121 બોલમાં 10 ફોરની મદદથી 101 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર 7મો ખેલાડી
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે શાનદાર ઇનિંગ રમી અને 119 બોલમાં પોતાની ઐતિહાસિક સદી ફટકારી હતી. આ સદીનો અર્થ એટલા માટે પણ ખાસ હતો કારણ કે તેણે પોતાના 35માં જન્મદિવસના અવસર પર આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તે પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર સાતમો બેટ્સમેન પણ બન્યો હતો. તેમના પહેલા મિચેલ માર્શ, ટોમ લાથમ, રોસ ટેલર, સનથ જયસૂર્યા, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી આ કરી ચુક્યા છે. વનડે વર્લ્ડકપમાં વિરાટની આ ચોથી સદી છે.
વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી
- વિરાટ કોહલી- 49
- સચિન તેંડુલકર- 49
- રોહિત શર્મા- 31
- રિકી પોન્ટિંગ- 30
- સનથ જયસૂર્યા- 28
- હાશિમ અમલા- 27
ઘરઆંગણે 6 હજાર ODI આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
જન્મદિવસ પર વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી અને ભારતમાં પોતાના 6 હજાર ODI આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. વિરાટ કોહલીએ ભારતમાં તેની 119મી મેચની 116મી ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન તેણે ભારતની ધરતી પર 22 સદી ફટકારી છે. તે સચિન તેંડુલકર પછી વર્લ્ડ ક્રિકેટમાં બીજો બેટ્સમેન છે જેણે ઘરઆંગણે વન ડેમાં 6 હજાર રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે પણ ભારતની ધરતી પર રમતા ODIમાં 6 હજાર રન બનાવ્યા હતા. સચિનના નામે ભારતીય ધરતી પર 6976 રન છે.
વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મ
આ સાથે વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023માં પણ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ 8 મેચમાં 543 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 4 ફિફ્ટીનો સમાવેશ થાય છે. . તે ચાલુ ટુર્નામેન્ટમાં 500નો આંકડો પાર કરનાર ક્વિન્ટન ડી કોક અને રચિન રવિન્દ્ર પછી ત્રીજો બેટ્સમેન બન્યો છે. હવે તે ટીમ ઈન્ડિયાનો ટોપ સ્કોરર પણ છે. તેનાથી આગળ ડી કોક માત્ર 545 રન સાથે એકંદરે ટોચ પર છે.