- વર્લ્ડકપની લીગ મેચ પૂર્ણ થઈ
- 15 અને 16 નવેમ્બરે રમાશે સેમિફાઈનલ મેચ
- વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક
વિરાટ કોહલીએ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 9 મેચમાં 99ની એવરેજથી 594 રન બનાવ્યા છે. સાથે હવે વિરાટ કોહલી પાસે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. સચિન તેંડુલકર એવો બેટ્સમેન છે જેણે કોઈપણ એક વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે વર્લ્ડકપ 2003માં 674 રન બનાવ્યા હતા. વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે, પરંતુ વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડવાની તક છે.
વિરાટ કોહલી પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક
વિરાટ કોહલી પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના રેકોર્ડથી 80 રન પાછળ છે. જો વિરાટ કોહલી 80 રન બનાવવામાં સફળ થશે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. ભારતીય ટીમ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમશે. જો ભારતીય ટીમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે, તો તે 19મી નવેમ્બરે ટાઈટલ મેચ રમશે. આ રીતે ભારતીય ટીમ 2 મેચ રમી શકે છે.
વર્લ્ડકપ 2023માં ભારતીય બેટ્સમેનોનો દબદબો
વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં શાનદાર બેટિંગ કરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. રોહિત શર્માએ 9 મેચમાં 55.89ની એવરેજથી 503 રન બનાવ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી ટોચ પરનો ત્રીજો ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર છે. સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં શ્રેયસ અય્યર 8માં સ્થાને છે. શ્રેયસ અય્યરે 9 મેચમાં 70.17ની એવરેજથી 421 રન બનાવ્યા છે.


