- વર્લ્ડકપ 2023ની તમામ લીગ મેચ પૂર્ણ થઈ
- 15 અને 16 નવેમ્બરે વર્લ્ડકપની સેમીફાઈનલ રમાશે
- સેમીફાઈનલ પહેલાં વિરાટ કોહલી દીકરીને ઘરે મુકવા ગયો
વર્લ્ડકપ 2023ના લીગ તબક્કાની છેલ્લી મેચ 12 નવેમ્બરે બેંગાલુરુમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો સામનો નેધરલેન્ડ ક્રિકેટ ટીમ સાથે થયો હતો. અહીં પણ રોહિત એન્ડ કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું અને વિપક્ષી ટીમને 160 રનથી હરાવી હતી. આ મેચના બીજા દિવસે સવારે વિરાટ કોહલીએ મુંબઈ પહોંચવા માટે બેંગાલુરુ એરપોર્ટથી ફ્લાઈટ લીધી હતી.
બેંગાલુરુ એરપોર્ટ પર જોવા મળ્યો કોહલી
મુંબઈ જતા પહેલાં કોહલી બેંગાલુરુ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની સાથે સેલ્ફી લેવા માટે ફેન્સનો ધસારો હતો. જો કે, તે ત્યાં લાંબો સમય રોકાઈ શક્યો નહોતો. કારણ કે, કોહલીને તેની પુત્રીને શક્ય તેટલી વહેલી તકે મુંબઈ લઈ જવાની હતી. આ દરમિયાન કોહલીની પુત્રી વામિકા અને તેની પત્ની અનુષ્કા કારમાં તેની રાહ જોઈ રહ્યાં હતાં.
કોહલીએ ફોટોગ્રાફર્સને દૂર રહેવા કહ્યું
કિંગ કોહલીએ આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સને તેની કારથી દૂર રહેવાની વિનંતી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોહલી અને અનુષ્કા તેની પુત્રીની સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે. આ કપલે હજુ સુધી તેની દીકરીનો ચહેરો સાર્વજનિક કર્યો નથી.
કોહલીએ વધુ સમય ન લેવાનું કહ્યું
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોહલી પાપારાઝીને ફોટો સેશનમાં વધુ સમય ન લેવાનું કહી રહ્યો છે. સાથે જ કોહલી કહી રહ્યો છે કે, તે ખૂબ જ થાકી ગયો છે અને તેને જલ્દી જ નીકળી જવું પડશે.
વિરાટે વનડેની 71મી ફિફ્ટી ફટકારી
નેધરલેન્ડ સામે કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોતાની ટીમ માટે પ્રથમ બેટિંગ કરતા કોહલીએ 56 બોલનો સામનો કરીને 51 રનની ઈનિંગ રમી હતી. આ વિરાટ કોહલીના વનડે કરિયરની 71મી ફિફ્ટી હતી. સાથે વિરાટ કોહલીએ 3 ઓવર બોલિંગ પણ કરી હતી. જેમાં કોહલીને 1 સફળતા પણ મળી હતી.


