- વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં 50 સદી ફટકારી
- કોહલીએ સચિન તેડુંલકરનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
- વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં બનાવ્યા સૌથી વધુ રન
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શક્તિશાળી બેટ્સમેન અને આધુનિક માસ્ટર વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023માં પોતાની ત્રીજી સદી ફટકારી છે. આ સદી બાદ તેણે 0DI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ કોહલી હવે સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. સાઉથ આફ્રિકા સામે પોતાની 49મી સદી ફટકારીને તેણે મહાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી હતી પરંતુ આ વખતે તેણે સદી ફટકારીને સચિનને પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, આ સદીની ઇનિંગ્સમાં વિરાટે સચિનના ત્રણ મોટા રેકોર્ડ તોડ્યા. વિરાટે 113 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 117 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપ સિઝનમાં સૌથી વધુ રન
વિરાટ કોહલીએ હવે સચિન તેંડુલકરના 2003 વર્લ્ડ કપમાં બનાવેલા 673 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન હતા. હવે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરનો આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ 711 રન બનાવ્યા છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- વિરાટ કોહલી- 711 રન (2023)*
- સચિન તેંડુલકર- 673 રન (2003)
- મેથ્યુ હેડન- 659 (2007)
- રોહિત શર્મા- 648 (2019)
- ડેવિડ વોર્નર- 647 (2019)
વર્લ્ડકપમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર
સચિન તેંડુલકરે 2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ સાત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં આઠમી વખત ફિફ્ટી પ્લસ બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 10 મેચમાં પાંચ અડધી સદી અને ત્રણ સદી ફટકારી છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી પણ જોઈએ:-
- 8 – વિરાટ કોહલી (2023)
- 7 – સચિન તેંડુલકર (2003)
- 7 – શાકિબ અલ હસન (2019)
- 6 – રોહિત શર્મા (2019)
- 6 – ડેવિડ વોર્નર (2019)


