- ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન
- ઓસ્ટ્રેલિયાનો આપનર ટ્રેવિસ હેડ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
- વર્લ્ડકપમાં વિરાટ કોહલી બન્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
ODI વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં તમામ ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. હવે વિરાટ કોહલીને વર્લ્ડકપ 2023ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
વિરાટ કોહલીએ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટે ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 3 શાનદાર સદી પણ ફટકારી છે. વિરાટને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં પણ વિરાટ કોહલીએ ટીમ માટે 54 રનની મહત્વની ઈનિંગ રમી હતી. વિરાટે ભીની આંખો સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના હાથમાં લીધી.
ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
ફાઇનલ મેચમાં ટ્રેવિસ હેડે ભારત સામે 120 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટ્રેવિસ અલગ જ દેખાઈ રહ્યો હતો. ત્રણ વિકેટ વહેલી પડી ગયા પછી, હેડે ઇનિંગની જવાબદારી સંભાળી અને ટીમને શાનદાર જીત તરફ દોરી હતી. હેડને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
વિજેતા અને રનર અપને કેટલી ઈનામી રકમ મળશે?
હવે જો આપણે ફાઈનલમાં વિજેતા અને હારેલી ટીમ એટલે કે રનર અપની વાત કરીએ તો ઉપવિજેતા ટીમને 20 લાખ ડોલર એટલે કે 16.58 કરોડ રૂપિયા આપવામાં આવશે. વિજેતા ટીમને ICC દ્વારા 40 લાખ ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે. એટલે કે વિજેતા ટીમને કુલ 33.17 કરોડ રૂપિયા મળશે.
શમી ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. ભલે તે ફાઈનલ મેચમાં ઘણી વિકેટ ન લઈ શક્યો હોય, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. શમી આ વર્લ્ડકપમાં માત્ર 7 મેચ રમ્યો હતો અને આ સાત મેચમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. શમીને અંતિમ મેચમાં માત્ર એક વિકેટથી સંતોષ માનવો પડ્યો હતો.


