ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. તેના નિર્ણયથી ક્રિકેટ રસિકો આશ્ચર્યચકિત છે. કારણ કે કોહલીની ફિટનેસ અને ફોર્મને જોતા લાગતું હતું કે વિરાટ 3-4 વર્ષ સુધી સરળતાથી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે. ઘણા દિગ્ગજોએ પણ વિરાટને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાની અપીલ કરી હતી. પરંતુ આ બધાની વચ્ચે, કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.
કોહલીની ટેસ્ટ કારકિર્દી
વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 123 ટેસ્ટ મેચ રમી છે. કોહલીએ 210 ઇનિંગ્સમાં 9,230 રન ફટકાર્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. કોહલીની ટેસ્ટ સરેરાશ પણ 46.85 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 55થી ઉપર છે. કિંગ કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. જ્યારે 7 બેવડી સદી પણ કોહલી ફટકારી ચુક્યો છે. ત્યારે વિરાટ પાસે ટેસ્ટ ફોર્મેટમાં 10 હજાર રન બનાવવા અને સદીનો રેકોર્ડ બનાવવાની શાનદાર તક હતી. પરંતુ આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ નિવૃત્ત જાહેર કરતા ક્રિકેટ પ્રેમીઓના દિલ તોડ્યા છે.
કિંગ કોહલીની અંતિમ ટેસ્ટ મેચ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીએ વિરાટ કોહલીની અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચ હતી. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પસંદગીકારો આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. કોહલીએ ગયા વર્ષે જ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વિરાટ કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી. જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
123 ટેસ્ટ, 210 ઇનિંગ્સ, 9230 રન, 46.85 સરેરાશ, 30 સદી, 31 અડધી સદી. તો 302 વનડે, 290 ઇનિંગ્સ, 14.181 રન, 57.88 સરેરાશ, 51 સદી, 74 અડધી સદી ફટકારી છે. તો બીજી તરફ, 125 ટી-20, 117 ઇનિંગ્સ, 4188 રન, 48.69 સરેરાશ, 1 સદી, 38 અડધી સદી બનાવી છે.


