- ઉદ્ઘાટન બાદ દેશભરમાંથી અયોધ્યા આવી રહ્યા છે ભક્તો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી 8 ફ્લાઇટ્સની જાહેરાત
- જાણો કયા કયા શહેરોથી પહોંચી શકાશે ડાયરેક્ટ અયોધ્યા
રામમંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે.
અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય 1 ફેબ્રુઆરી 2024થી 8 નવા ફ્લાઈટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. નવા ફ્લાઈટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુ સાથે જોડશે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે ઉદ્ઘાટન
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ ફ્લાઇટ સેવાઓનું ઉદ્ઘાટન કરશે અને સ્પાઈસ જેટના વિમાન નવા રૂટ પર ઉડાન ભરશે.
તાજેતરમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસે અયોધ્યાથી બેંગલુરુ અને કોલકાતાના નવા રૂટની જાહેરાત કરી હતી, જે મુજબ 17 જાન્યુઆરીથી નવા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. એરલાઈન્સ આ રૂટ પર ડાયરેક્ટ ફ્લાઈટ ચલાવી રહી છે.
સૌથી ભવ્ય પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત થશે અયોધ્યા
જણાવી દઈએ કે, 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અયોધ્યામાં એરપોર્ટનું નિર્માણ ભવિષ્યમાં આ ધાર્મિક નગરીમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ એરપોર્ટનું નિર્માણ 350 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણી વખત કહ્યું છે કે અયોધ્યાને વિશ્વના સૌથી ભવ્ય યાત્રાધામ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ, અયોધ્યા વિશ્વના પ્રવાસન નકશા પર સૌથી વિકસિત અને ભવ્ય પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત થશે.


