- વિસ્તારાની ફ્લાઇટ્સ કેન્સલ થવા, મોડી પડવાનો કકળાટ
- ફ્લાઇટ્સ રદ થવાથી કે મોડી પડવાને કારણે પ્રવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે
- શનિ-રવિમાં પણ વિસ્તારાની ફ્લાઇટ્સ રદ થઇ હતી
તાતા ગ્રૂપની વિસ્તારા એરલાઇનના ઘણા નારાજ પાઇલટ્સ સામૂહિક ધોરણે સીક લીવ પર ઊતરી જતાં છેલ્લા બે દિવસમાં તેની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ થવાથી કે મોડી પડવાને કારણે પ્રવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોમવારે વિસ્તારાની 80 ફ્લાઇટ રદ થઇ હતી અને 190 ફ્લાઇટ મોડી પડી હતી જ્યારે મંગળવારે 38 ફ્લાઇટ રદ થઇ હતી અને 30 ફ્લાઇટ મોડી પડી હતી. મંગળવારે રદ થયેલી વિસ્તારાની 38 ફ્લાઇટમાં મુંબઇથી ઊપડનારી 15, દિલ્હીથી ઊપડનારી 12 અને બેંગલુરુથી ઊપડનારી 11 ફ્લાઇટનો સમાવેશ થતો હતો. ગત શનિ-રવિમાં પણ વિસ્તારાની ફ્લાઇટ્સ રદ થઇ હતી કે મોડી પડી હતી પરંતુ તેવી ફ્લાઇટ્સની સંખ્યા ઘણી ઓછી હતી. છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારાના ઘણા પેસેન્જર્સે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સમગ્ર મામલે વિસ્તારા પાસેથી વિસ્તૃત અહેવાલ માગ્યો છે. ઉડ્ડયન નિયંત્રક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (DGCA) પણ એરલાઇનને ફ્લાઇટ કેન્સલેશન અને ડીલેના રોજેરોજના રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. સાથે જ ફ્લાઇટ રદ થવાના કે મોડી પડવાના સંજોગોમાં એરલાઇને પ્રવાસીઓને પૂરી પાડવાની રહેતી સુવિધાઓ અંગેના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા પણ તાકીદ કરી છે.


