યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ખૂબ ‘ગુસ્સે’ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો પુતિન રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો અમેરિકા તેમની પાસેથી તેલ ખરીદનારા તમામ દેશો પર 50 ટકાનો વધારાનો ટેરિફ પણ લાદી શકે છે. ટ્રમ્પનો આ તીવ્ર ગુસ્સો રશિયા માટે એક મોટો સંદેશ હતો. જેણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી.
શું ક્રેમલિન અમેરિકા સાથે ‘ગડબડ’ કરવાના મૂડમાં છે?
હવે ટ્રમ્પના આ નિવેદન બાદ રશિયાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા ભવિષ્યમાં અમેરિકા સાથેના સંબંધો સુધારવા અને સહયોગ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. પેસ્કોવે કહ્યું, ‘અમે અમેરિકન પક્ષ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, સૌ પ્રથમ, અમારા સંબંધો સુધારવા માટે.’ રશિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા અને રશિયા બંને યુક્રેનના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને શાંતિ કરાર તરફ કામ કરી રહ્યા છે. રશિયાના મતે, આ બંને દેશો વચ્ચે સહયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
જોકે, રશિયાએ યુદ્ધની જેમ જ પોતાના વકતૃત્વમાં પણ હાર માની નથી. રશિયાએ સતત બીજા દિવસે ખાર્કિવ પર હુમલો કર્યો અને યુક્રેને રશિયા સામે ડ્રોન હુમલાઓથી જવાબ આપ્યો. યુદ્ધના આ વાતાવરણમાં, બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, સ્વીડને યુક્રેનને 1.2 બિલિયન પાઉન્ડના લશ્કરી સહાય પેકેજની પણ જાહેરાત કરી છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. સ્વીડિશ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ પગલાથી યુક્રેન માટે સ્વીડનનો ટેકો વધુ મજબૂત બનશે.
અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિની આશા
યુક્રેન યુદ્ધમાં અમેરિકા અને રશિયાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને સંઘર્ષના ઉકેલમાં બંને દેશો વચ્ચે સહયોગની આશા છે. આ દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.


