ઈન્ડોનેશિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત જ્વાળામુખી વિસ્ફોટો થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફલાઈટે મહત્વનો નિર્ણય લીધો. વિસ્ફોટમાં ઉડેલી રાખને કારણે એરલાઈન્સે બુધવાર 13 નવેમ્બરે બાલી માટેની તેમની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી.
ફ્લાઈટ ઓપરેશન્સ માટે મોટું જોખમ
માઉન્ટ લેવોટોબી લાકી લાકી જ્વાળામુખી પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતના એક ટાપુ પર સ્થિત છે અને આ મહિનાની શરૂઆતમાં જ વિસ્ફોટ થયો હતો. જેને લઈને તમામ જગ્યાઓ પર ધુમાડાના વાદળો છવાયા હતા. આવી સ્થિતિમાં આ વાદળો ફ્લાઈટ ઓપરેશન્સ માટે મોટું જોખમ બની શકે છે, જેના કારણે ઘણી એરલાઈન્સે બાલી માટે તેમની સેવાઓ રદ કરવાનો નિર્ણય લીધો.
સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી જાણકારી
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફલાઈટ રદ કરવાની માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 13 નવેમ્બર 2024ના રોજ ઓપરેટ થવાની એર ઈન્ડિયાની દિલ્હીથી બાલી અને પાછળની ફ્લાઈટ્સ (અનુક્રમે AI 2145 અને AI 2146) તાજેતરમાં જ જ્વાળામુખીના કારણે પ્રભાવિત થઈ હતી અને વિસ્ફોટને કારણે તે રદ કરી દેવામાં આવી, કંપનીએ કહ્યું છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે.
આ સાથે જ ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે બાલીમાં તાજેતરના જ્વાળામુખી વિસ્ફોટને કારણે રાખના વાદળો હવાઈ મુસાફરીને ખરાબ રીતે અસર કરી શકે છે, જેથી આ પ્રદેશમાં અને ત્યાંથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
દિલ્હીથી ઈન્ડોનેશિયા સુધીની ફ્લાઈટ્સ
એરલાઈન્સ બેંગલુરુથી બાલી સુધીની દરરોજ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાએ બાલીની તેની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. એર ઈન્ડિયા દિલ્હીથી ઈન્ડોનેશિયાના ટાપુ સુધી દરરોજ એક ફ્લાઈટ ચલાવે છે.
સતત થઈ રહ્યો છે જ્વાળામુખી વિસ્ફોટ
ઈન્ડોનેશિયાની વાત કરીએ તો ફ્લોરેસ આઈલેન્ડ પર માઉન્ટ લેવોટોબી લાકી-લાકીમાં બુધવારે જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જેના કારણે આકાશમાં રાખ અને ઢોળાવ પર લાવા ફેલાઈ ગયો હતો. 1,584 મીટર ઊંચા જ્વાળામુખીના કારણે 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે જો વિસ્ફોટ વધુ તીવ્ર બનશે તો વધુ લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી શકે છે.