- નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર ત્રીજી ટર્મ માટે ચૂંટણીજંગમાં ઉતરશે
- અમેરિકામાં પ્રમુખ જો બાઈડેનની સરકાર બીજી ટર્મ માટે ચૂંટણીજંગમાં ઉતરશે
- દિવાળીની દેશવાસીઓ દ્વારા આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી
સંવત વર્ષ 2080નો પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષમાં વિશ્વની બે સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે. સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે. દેશમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર ત્રીજી ટર્મ માટે જ્યારે અમેરિકામાં પ્રમુખ જો બાઈડેનની સરકાર બીજી ટર્મ જાળવી રાખવા માટે ચૂંટણીજંગમાં ઉતરશે. બીજી બાજુ દેશભરમાં પ્રકાશનાં પર્વ દિવાળીની દેશવાસીઓ દ્વારા આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય પર સત્યનો વિજય, દાનવો પર દેવોનો વિજયને વધાવવા માટે દેશભરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. દીપોત્સવીનું પર્વ એ અંધકાર પર પ્રકાશ, બુરાઈ પર અચ્છાઈ અને અજ્ઞાન પર જ્ઞાનનાં વિજયનું પ્રતીક છે. દેશમાં આમ તો દશેરાનાં દિવસે ભગવાન રામ દ્વારા રાવણને પરાજિત કરી રાવણનો વધ કરવાનાં પ્રસંગ સાથે જ દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત થઈ જાય છે. ભારતમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે અગિયારસથી જ લોકો એ દિવાળીની ઉજવણી શરૂ કરી દીધી હતી. દિવાળીનાં દિવસે લોકોએ તેમનાં મકાનો પર દીપ પ્રગટાવીને તેમજ સુશોભિત દીપમાલાઓ સાથે જ પ્રકાશનું પર્વ મનાવ્યું હતું. દેશનાં મોટા નગરો, શહેરો તેમજ ગામડાઓમાં લોકોએ દીપ પ્રગટાવીને દીપાવલીનો પ્રસંગ ઊજવ્યો હતો. રંગબેરંગી રોશનીથી પોતાના મકાનો અને ઘરોને શણગાર્યા હતા. દિવાળીનાં દિવસે સૂર્યાસ્ત થતાની સાથે આતશબાજી કરતા આકાશ રંગબેરંગી પ્રકાશથી ઝળહળી ઊઠયું હતું. ફટાકડાનાં અવાજથી શહેરો અને ગામડાઓની શેરીઓ ગુંજી ઊઠી હતી.
અયોધ્યામાં દીપોત્સવ અને રામનો રાજ્યાભિષેક
સંવત વર્ષ 2080 અને ઈસવીસન 2024માં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બાંધવામાં આવેલા વિશાળ રામમંદિરમાં ભગવાન રામની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ સાથે જ અયોધ્યામાં ફરી એકવાર રામનો રાજ્યાભિષેક થશે. દીપાવલીનાં પર્વ પ્રસંગે અયોધ્યામાં સરયૂ નદીનાં કિનારે તેમજ નવા રામમંદિરનાં સાંનિધ્યમાં 22 લાખથી વધુ દીપ પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટય સાથે જ રામલલાનાં વધામણા કરીને પૂજનઅર્ચન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પર્વ ઊજવવા લોકોમાં થનગનાટ
દેશમાં 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાશે. મતદારોએ અત્યારથી જ ચૂંટણીમાં હરખભેર મતદાન કરવા માટે કમર કસી છે. પોતાનાં મનપસંદ ઉમેદવારને ચૂંટીને નવી લોકસભામાં મોકલવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. 2024નાં અંતમાં અમેરિકામાં પણ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને પસંદ કરવા અત્યારથી ડિબેટ યોજાઈ રહી છે.
પ્રાચીન ઈમારતો, ધરોહરોને રોશનીથી શણગારાઈ
પ્રાચીન ઈમારતો અને ધરોહરોને રોશનીથી શણગારવામાં આવી હતી. દેવમંદિરોને રંગબેરંગી દીવડાઓ અને લાઈટોથી સુશોભિત કરાયા હતા. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ, અક્ષરધામ, કુતુબ મિનાર, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, કર્તવ્ય પથને રોશનીથી શણગારવામાં આવતા ઠેરઠેર ઝગમગાટ ફેલાયો હતો.