- પાકિસ્તાનનો વિકાસ અમીર વર્ગ સુધી સીમિત : ચિકન પ્રતિ કિલો રૂ. 615
- પાકિસ્તાનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતો આસમાનને સ્પર્શી
- સરકારે ડુંગળીના ભાવ પ્રતિ કિલો 175 નક્કી કર્યા
પાકિસ્તાનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતો આસમાનને સ્પર્શી રહી છે. પાકિસ્તાનની રૂપિયામાં ચીજવસ્તુઓના ભાવ પર નજર નાખવામાં આવે તો ડઝન ઇંડાં રૂપિયા 400ના ભાવે મળ્યા છે. વહીવટીતંત્ર સરકારી દરોનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યું હોવાથી આમ બની રહ્યું છે. સરકારે ડુંગળીના ભાવ પ્રતિ કિલો 175 નક્કી કર્યા છે, પરંતુ ડુંગળી પ્રતિકિલો 230થી 250ના ભાવે મળી રહી છે. ચિકન પણ પ્રતિ કિલો રૂપિયા 615ના ભાવે મળી રહી છે. પાકિસ્તાન સરકાર પરના દેવાની વાત થાય તો વર્ષ 2023-24 દરમિયાન નવેમ્બરના અંતભાગમાં દેવું વધીને રૂપિયા 63,399 લાખ કરોડ થઇ ગયું હતું. તેમાં રૂપિયા 40,956 લાખ કરોડના ઘરેલુ દેવા તેમ જ રૂપિયા 22,434 લાખ કરોડના વિદેશી દેવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ સરકાર અને કાર્યવાહક સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનું કુલ દેવું 12,430 લાખ કરોડ હતું.
અહેવાલમાં વિશ્વ બેન્કના અહેવાલને પણ ટાંકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ અમીર વર્ગ સુધી જ મર્યાદિત છે. તેને કારણે પાકિસ્તાન તેના આર્થિક સંકટને કારણે પોતાના સાથી દેશો કરતાં પણ પાછળ રહી ગયું છે.
સંગ્રહખોરી અને નફાખોરીમાં વધારો
ગયા મહિને નાણા, મહેસૂલ અને આર્થિક બાબતના કાર્યવાહક પ્રધાન શમશાદ અખ્તરની અધ્યક્ષતામાં સમન્વય સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં રાષ્ટ્રીય ભાવ પર નજર રાખતી સમિતિને કિંમતો સ્થિર રહે તે સુનિિૃત કરવા અને સંગ્રહખોરી અને નફાખોરીને રોકવાના ઉપાયો માટે પ્રાંતીય સરકારો સાથે સમન્વય સાધીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ તંત્ર પ્રભાવહીન સાબિત થયું છે.
પાક.નું આર્થિક મોડેલ અસરહીન
વિશ્વ બેંકના કન્ટ્રી નિદેશક નેજી બેન્હાસિને પાકિસ્તાન સંબંધમાં કહ્યું છે કે પાકિસ્તાનનું આર્થિક મોડેલ અસરહીન થઇ ગયું છે અને દેશમાં ગરીબી ફરી વધી રહી છે. બેન્હાસિને કહ્યું કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ ટકાઉ નથી.


