- નિયામક કચેરી દ્વારા કુલ 2,600 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી
- નવી 2,750 જગ્યામાં ભરતી કરવાં સરકાર પાસે મંજૂરી માગી
- વિદ્યાસહાયકની ભરતી બે તબક્કામાં યોજવામાં આવશે
રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની કુલ 2,600 જગ્યા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કુલ 127 જગ્યા પર ઉમેદવારો હાજર ન થતાં આ જગ્યા ખાલી પડી છે જેથી ખાલી પડેલી જગ્યામાં આગામી સમયમાં વેઇટિંગ લીસ્ટ ખોલવામાં આવશે. વેઈટિંગ લીસ્ટ ઓપરેટ કરવા માટે ભરતી સમિતિ દ્વારા શિક્ષણ વિભાગમાં મંજુરી માગવામાં આવી છે. આ સિવાય પ્રાથમિકમાં વધુ 2,750 જગ્યા પર શિક્ષકની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે નિયામક કચેરી દ્વારા સરકારમાં મંજુરી માગવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં 5,360 જગ્યા પર શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યભરમાં એવી ફરિયાદો ઉઠી હતી કે, સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા છેલ્લા ચાર-પાંચ વર્ષથી લેવામાં આવી નથી. જાહેરાત પહેલા ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવામાં આવી હતી. જેથી તત્કાલીન શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી કે વિદ્યાસહાયકની ભરતી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બીજા તબક્કામાં 2,760 જગ્યા પરની ભરતી પ્રક્રિયા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા યોજાયા બાદ કરાશે. આ દરમિયાન 2,600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે પૂર્ણ થઈ ચુકી છે પરંતુ 127 જગ્યામાં ઉમેદવારો હાજર ન થતાં આ જગ્યાઓ માટે વેઈટિંગ લીસ્ટ ખોલવામાં આવશે. બીજી તરફ 2,750 જગ્યામાં ભરતી કરવા માટે સરકારની મંજુરી માગવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.


