- મહાનંદ મુનિ નંદના ઘેર પહોંચ્યા એ સમયે એ સુંદરીની સાજ સજનીમાં વ્યસ્ત હતા
નાસિક એક ઐતિહાસિક નગર છે. ઘણાંબધાં વરસો પહેલાં બનેલી એક ઘટના છે.
તે સમયે નાસિકમાં બે ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓ વચ્ચે સંપ અદ્ભુત હતો. દરેક કામમાં બેય સાથે જ હોય. ભણવામાં હોય કે રમવામાં હોય, પણ બેય ભાઇઓ સાથે ને સાથે જ હોય. મોટા ભાઈનું નામ મહાનંદ અને નાના ભાઇનું નામ નંદ હતું. કોઈ સાધુ મહાત્માનો સમુદાય નાસિકમાં આવેલો. થોડા દિવસો એ નગરની બહાર ઉદ્યાનમાં રોકાયેલા. એમનાં દર્શન-વંદન કરવા માટે નગરનાં નર-નારીઓ નિયમિત જતાં.
નંદ અને મહાનંદ પણ નિયમિત ગુરુ ભગવંત પાસે જતા. એમની વાણી સાંભળતા મહાનંદના હૃદયના તાર ઝણઝણી ઊઠતા. અસાર સંસારનો સાર જો કોઈ પણ હોય તો માત્ર સંયમ જ છે. અમર્યાદ જીવન ક્યારેય કોઈને સુખી કરી શકે નહીં. મારે ખરેખર સુખી થવું હોય તો જીવનમાં મર્યાદા લાવવી આવશ્યક છે. અમર્યાદ જીવન એટલે અંધકારમાં આગળ વધવું. મારે અંધકાર નહીં પ્રકાશ જોઇએ છે.
એક દિવસ એ ગુરુદેવ પાસે બેઠો હતો. ગુરુદેવે સાહજિક જ વાત કરી, `ભાગ્યશાળી, આ જીવન અમર્યાદ દશામાં જ આગળ વધારવાનો ભાવ છે કે અંધકારમાં પ્રકાશની દિશામાં પણ કંઇક આગળ વધવાનો ભાવ ખરો?’
મહાનંદ ખુશ થઇ ગયો. આજે ગુરુદેવે પોતાના મનની જ વાતનો પડઘો પાડ્યો છે. એણે કહ્યું, `ભગવાન, આપની વાત મારા મનને સ્પર્શી ગઇ છે, પણ હજુ સુધી નિર્ણય લઈ શકતો નથી કે હું શું કરું?’
માણસની સામે અંધકાર હોય તો એણે પ્રકાશની દિશામાં પગ માંડવા જોઇએ. પ્રકાશની દિશાનો મને બોધ છે, તો પછી શા માટે મારે વિલંબ કરવો જોઇએ? આવો વિચાર કરીને એક શુભ દિવસે એણે ગુરુદેવને કહ્યું, `ભગવન! હવે આપ મને જલદી સંયમ આપો…’
ગુરુદેવને પણ એ આત્માની યોગ્યતા જણાઈ. એને દીક્ષા આપી. દીક્ષા લઇ લીધી એટલે કામ પતી જાય એવું નથી હોતું. હકીકતમાં તો પછી જ કામનો પ્રારંભ થાય છે. પોતાની આંતરિક આરાધના સાધનાના પ્રમાણમાં વધારો કરી દીધો. પહેલાં ચોવીસ કલાકમાં બેત્રણ કલાકની સાધના થઇ શકતી હતી એની જગ્યાએ હવે બેત્રણ કલાક સિવાયનો તમામ સમય માત્ર આત્મસાધનામાં વ્યતીત થાય છે. ઊંઘ, આરામ અને ભોજનનો સમય પણ એ જ ત્રણ-ચાર કલાકમાં સમાઈ જાય. પછી મનને બીજે ક્યાંય જવાનો અવકાશ જ ક્યાં રહેવાનો?
ચાર-પાંચ વર્ષના સંયમજીવન પછી મુનિ મહાનંદ સક્ષમ બની ગયા છે. હવે એમને કોઈ બીજાના આલંબનની કે અનુશાસનની આવશ્યક્તા નથી. સ્વયં એ પોતે અનુશાસિત અને અન્યને અનુશાસિત કરવાની ક્ષમતા આવી ચૂકેલી છે.
એક દિવસ એમણે પોતાના વતન તરફ જવાની ગુરુ પાસે અનુજ્ઞા માગી. ભગવન મને અનુજ્ઞા આપો. ગુરુએ પણ પોતાના જ્ઞાનમાં નિરીક્ષણ કરીને એમને અનુજ્ઞા આપી, તમે તમારા માર્ગમાં સ્થિર રહેજો. ગુરુની આજ્ઞા લઇને એ પોતાના જન્મસ્થળ તરફ આગળ વધી રહ્યા છે.
નાનો ભાઈ નંદ ઉંમરલાયક થયો અને સંસારી જ રહ્યો. એને સંયમનો અભિલાષ જાગ્યો જ નહીં. એક સ્વરૂપવાન સુંદર કન્યાની સાથે એનાં લગ્ન થયાં. નંદ સુંદરી સાથે જોડાયો. અરે, ભાઈ જોડાયો તે કેવો જોડાયો? એને સુંદરી સિવાય કોઈ દેખાય જ નહીં. સુંદરીના સૌંદર્યમાં એવો ખોવાઈ ગયો કે એને જાણવાવાળા માણસોએ એને સુંદરીનંદ કહીને જ બોલાવવાનું શરૂ કર્યું. જોકે, કોઈ શું કહે છે એ જાણવાની એને દરકાર પણ ક્યાં હતી? એનો આખો દિવસ સુંદરીની પાછળ જ જાય છે.
મુનિ મહાનંદ નાસિક નગરમાં પધાર્યા. ગામનાં તમામ નરનારીઓ મુનિનાં દર્શન-વંદન માટે આવે છે, પણ પૂર્વાવસ્થાનો પોતાનો ભાઈ નંદ એમના જોવામાં આવ્યો નહીં. કોઈ એમના પૂર્વ પરિચિતને પૂછ્યું, `ભાઈ, નંદ કેમ દેખાતો નથી? છે તો હેમખેમને?’ કોણ પેલો સુંદરીનંદ?
અરે ભાઈ નંદ, સુંદરીનંદને હું ઓળખતો નથી. અરે હા, આપ જેને નંદ કહો છો એને જ બધા સુંદરી નંદ કહે છે. આપ ભલે એને યાદ કરો, પણ એ આપની પાસે આવશે નહીં.
કારણ? નહીં આવવાનું કંઈ કારણ?
કારણ તો શું હોય, પણ એને એની પત્ની સિવાય કંઈ દેખાતું નથી. આપ પધાર્યાના એને સમાચાર પહોંચ્યા જ નહીં હોય. કદાચ પહોંચ્યા પણ હશે તો પણ એના વિશે એ વિચાર પણ કરવાનો નહીં.
મહાનંદ મુનિને પોતાના ભાઈની ચિંતા થાય છે. પત્નીના રાગના કારણે એના આત્માનું આધ્યાત્મિક પતન થાય એ તો કેવું કહેવાય? ભલે એ સંસારી હોય, પણ પૂર્વાશ્રમના મારા ભાઈ તો છે જને! મારા સંસારી ભાઈ સંસારના આસપાસમાં અટવાઈ જાય એ મને કેમ ગમે?
મહાનંદ મુનિ નંદના ઘેર પહોંચ્યા એ સમયે એ સુંદરીની સાજ સજનીમાં વ્યસ્ત હતા. મુનિની સાથે વાત કરવાની પણ એની તૈયારી નથી, પણ આ મુનિ જલદી પોતાની હાર સ્વીકારવાવાળા ન હતા. એમણે નક્કી કર્યું છે, ભાઈને જગાડવો છે.
એ તો અંદરના ખંડમાં જ પહોંચી ગયા, જ્યાં સુંદરીના શણગાર ચાલી રહ્યા છે. એમણે થોડી વાર શણગારનું નિરીક્ષણ કરીને ધીમેથી નંદને કહ્યું, `ખરેખર સુંદરી સુંદરી જ છે. એનું રૂપ સૌંદર્ય અદ્ભુત છે. આવું સૌંદર્ય લાવણ્ય બહુ ઓછી રૂપવતીઓને મળે છે, પણ તમે એમ માનતા હોય કે આવું સૌંદર્ય બીજી કોઈની પાસે ન જ હોય, આવું જો તમે માનતા હોય તો એ તમારી ભૂલ છે, તમારે એને સુધારવી જ પડે.’
નંદ કહે છે, `આના જેવી બીજી કોઈ રૂપવતી બતાવો તો મારે મારા નિર્ણયમાં ફેરફાર કરવાનો હોય ત્યાં સુધી તો વિચાર કરવાની ઉતાવળ કરવાની મારે જરૂર નથી.’
માણસે વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ પડે છે. સાચી વાત તો આપણે સ્વીકાર કરીએ, પણ ખોટીને છોડવી જોઇએ તો આપણો એક દિવસ તો આધ્યાત્મિક વિકાસ થવાનો જને?
મહાનંદ મુનિ કહી રહ્યા છે, `જો તમારે આ આરાધનાનું ફળ જોવું હોય તો આંખો બંધ કરવી પડશે. પછી હું તમને એક વિશષ્ટ સ્થાને પ્રવાસ કરાવીશ, જ્યાં તમને અદ્ભુત સૌંદર્યનાં દર્શન થશે.’
એણે આંખો બંધ કરાવી. પોતાની મંત્રશક્તિના પ્રભાવથી સ્વર્ગલોકનાં દર્શન કરાવ્યાં. જ્યાં વિશિષ્ટ અને અદ્ભુત સૌંદર્યવાન સુંદરી અપ્સરાઓનાં એને દર્શન કરાવ્યાં. પછી એને પૂછ્યું, `બોલ, તારી સુંદરી આની પાસે ખડી કરવામાં આવે તો કેવી લાગે છે?’
પેલો નંદ કહે છે, `આ સુંદર અપ્સરાઓની સામે સુંદરીની સરખામણી કરવાનો વિચાર કરવો એ પણ મૂર્ખતા છે. મારી સુંદરી કરતાં તો આ સુંદરીઓ કંઇક ગણી આગળ છે, પણ મને એ બતાવો કે અહીં સુધી મારે પહોંચવું હોય તો શું કરવું પડે?’
માણસ હંમેશાં પોતાના સુખને બીજાના સુખની સાથે મૂલવવામાં માનતો હોય છે. સતત સરખામણી કરવામાંથી એ ઊંચો આવતો નથી.
નંદને હવે વિચાર એ આવે છે કે આવી સરસ અપ્સરા જો મને મળી જાય તો મને દૈવી આનંદ મળી શકે, પણ એને મેળવવા માટે મારે આ મુનિનો જ સહારો લેવો પડવાનોને! એણે મુનિને કહ્યું, `આપે જે અપ્સરાઓનાં દર્શન કરાવ્યાં એ મને મળી શકે ખરી?’
કોઈ પણ વસ્તુનું મૂલ્ય ચૂકવ્યા વગર ન મળી શકે અને મૂલ્ય ચૂકવીએ તો ન મળે એવી કોઈ ચીજ નથી. માત્ર વાતો કરવાથી કોઈ વસ્તુ ન મળે, પણ હું તને એના કરતાં પણ વધારે સારી બતાવું.
આના કરતાં પણ વધારે સુંદર કોઈ હોઇ શકે ખરી? ચોક્કસ હોઇ શકે. અને મહાનંદ મુનિએ નંદને મુક્તિ સુંદરીનું વર્ણન કર્યું. અને ઉમેર્યું, `હું પણ એને મેળવવા માટે જ પ્રયત્ન કરું છું. આ સંયમજીવનની કોઈ પણ અપેક્ષા હોય તો માત્ર એક જ છે, મારે મુક્તિ સુંદરીને મેળવવી છે. ત્યાં માત્ર સુખ જ સુખ છે. જ્યાં દુઃખની કોઈ શક્યતા જ નથી. આત્માના અનંત સુધીનો ભંડાર પણ ત્યાં જ છે.’
મહાનંદ મુનિની વાત નંદના અંતરમાં ઊતરી ગઇ. આવી સુંદરીને મેળવવાની આની સુંદરતા અમુક સમય પછી તો જોવી પણ ન ગમે તેવી હોય જ્યારે આ મુક્તિ સુંદરી તો જ્યારે પણ નજર કરીએ તરોતાજી જ નજર આવવાની. તો પછી શા માટે આની અપેક્ષા રાખવી?
નંદે કહ્યું, `ફરમાવો હવે મારા માટે શું આદેશ છે.’ મહાનંદ મુનિએ કહ્યું, `આવી જાવ મારી સાથે, સંયમ જીવનમાં, કે જે સંયમ જીવન તીર્થંકર પરમાત્માએ જગતના જીવોના સુખ માટે જ બતાવેલો માર્ગ છે. એને અપનાવીને અનંત આત્માઓ પરમસુખને પામ્યા છે. તમે પણ આવો, આત્મા સાધના કરો અને એ સાધનાના સર્વોચ્ય ફળને મેળવો.’
નંદે સંયમનો સ્વીકાર કર્યો. આપણે પણ સાચા-આભાસી નહીં સુખને મેળવવાનો સાચા દિલથી પ્રયત્ન કરીએ, સફળતા રાહ જોઈ રહી છે.