– બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલદીઠ ૮૯ ડોલર સુધી બોલાયા
– વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં ૧૮૫૦ ડોલર પાર કરી ગયા
Updated: Oct 10th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે વધ્યા મથાળે સોના-ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ વધી ૧૮૫૦ ડોલર કુદાવી ગયા પછી ફરી નીચા ઉતર્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ૧૮૩૩થી ૧૮૩૪ વાળા આજે ઉંચામાં ભાવ રૂ.૧૮૫૫થી ૧૮૫૬ થયા પછી ૧૮૪૮થી ૧૮૪૯ ડોલર રહ્યા હતા.
ઈઝરાયલ તથા પેલેસ્ટાઈનના યુદ્ધ પર બજારની નજર હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૧.૬૦થી ૨૧.૬૧ વાળા વધી ૨૨.૦૧થી ૨૨.૦૨ થઈ ફરી ઘટી ૨૧.૬૩થી ૨૧.૬૪ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૯૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૯૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૭૦૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટક્રૂડતેલના ભાવ ૮૪.૫૮ વાળા ઉંચામાં ૮૯ થઈ ૮૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૨.૭૯ વાળા ઉંચામાં ૮૭.૨૪ થઈ ૮૬.૧૭ ડોલર રહ્યા હતા. વોર ઈફેકટ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૧થી ૮૮૨ વાળા ૮૯૩થી ૮૯૪ થઈ ૮૮૫થી ૮૮૬ ડોલર રહ્યા હતા પેલેડીયમના ભાવ ૧૧૬૨થી ૧૧૬૩ વાળા ઉંચામાં ૧૧૭૦થી ૧૧૭૧ થઈ ૧૧૪૭થી ૧૧૪૮ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૪ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૧૮૫ થઈ રૂ.૫૭૧૦૨ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૭૪૧૫ થઈ રૂ.૫૭૩૩૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૬૯૩૦૦ વાળા રૂ.૬૮૯૮૪ ખુલી રૂ.૬૮૪૯૩ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ભારતમાં આંધ્રપ્રદેશ ખાતે પ્રથમ પ્રાઈવેટ સોનાની ખાણમાં ઉત્પાદન આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે એવી ચર્ચા બજારમાં સંભળાઈ હતી. આ ખાણમાંથી દર વર્ષે આશરે ૭૫૦ કિલો સોનું મળવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૩.૨૬ વાળા આજે સવારે રૂ.૮૩.૨૨ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૨૧ થઈ ઉંચામાં ભાવ રૂ.૮૩.૨૬૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૨૭ રહ્યા હતા. ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ડોલર તથા જાપાનની કરન્સીમાં સેફ હેવન સ્વરૂપની માગ નિકળ્યાના સમાચાર હતા.
ડોલર સામે જાપાનની કરન્સીના ભાવ ૧૪૯.૧૫થી ૧૪૯.૨૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૧૫ તથા ઉંચામાં ૧૦૬.૬૦ થઈ ૧૦.૬.૪૬ રહ્યાના નિર્દેશો હતા.