- ઈરાનના અનેક શહેરોમાં ફ્લાઈટ સસ્પેન્ડ, સીરિયા અને ઈરાકમાં પણ વિસ્ફોટ
- ઈરાનના અનેક પરમાણુ સંગ્રહ ઈસ્ફાહાન પ્રાંતમાં
- ઇઝરાયેલે ઇરાનની સાથોસાથ ઇરાક અને સીરિયાને પણ નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા
ઇરાને ઇઝરાયેલ પર ગત 13 એપ્રિલની રાતે 300થી વધુ મિસાઇલો અને ડ્રોનથી કરેલા હુમલાનો વળતો જવાબ આપતા ઇઝરાયેલે પણ મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના ઇસ્ફાહાન શહેરના એરપોર્ટ પર પણ પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. જોકે આ વિસ્ફોટના કારણનો હજુ સુધી ખુલાસો થયો નથી. ઇઝરાયેલે ઇરાનની સાથોસાથ ઇરાક અને સીરિયાને પણ નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા છે. ઇરાકની રાજધાની બગદાદમાં ઇરાન સમર્થિત ગ્રુપ્સ અને
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના સભ્યોની જ્યાં હાઇ લેવલ મિટિંગ ચાલી રહી હતી તે બિલ્ડિંગને નિશાન બનાવી એર સ્ટ્રાઇક કરાઈ હોવાના અહેવાલ છે જ્યારે સીરિયાના અસ-સુવેદા અને દારા પ્રાંતોમાં ઇઝરાયેલે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. અમેરિકી મીડિયાના અહેવાલો અનુસાર ઇરાનના હવાઈ ક્ષેત્રમાં ઘણી ફ્લાઇટ્સના રૂટ બદલી દેવાયા હતા. ઇઝરાયેલના હુમલા પૂર્વે ઇરાનના વિદેશપ્રધાને યુએનમાં ઇઝરાયેલને ધમકી આપતા કહ્યું હતું કે ઇઝરાયેલે ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેમણે વૈશ્વિક સમુદાયને ઇઝરાયેલને રોકવા અપીલ કરી હતી.
ઇઝરાયેલના હુમલા બાદ ઇસ્ફાહાન શહેર ચર્ચામાં
ઇરાનની ન્યૂક્લિયર સાઇટ પર ત્રણ મિસાઇલ ત્રાટકી હોવાના પણ સમાચાર છે. દરમિયાન, IRGCએ તેના તમામ સૈન્ય મથકો માટે હાઇ એલર્ટ જારી કરી એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઇરાનના ઘણા પરમાણુ મથકો ઇસ્ફાહાન પ્રાંતમાં જ આવેલા છે. ઇરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ ત્યાં જ સ્થિત છે.
સમગ્ર પશ્ચીમ એશિયામાં તણાવ વધવાનો ડર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈઝરાયલે ઈરાનની સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી. આ સાથે જ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે જો તેણે ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો તેના પરિણામો ગંભીર આવશે. ઈરાને અમેરિકાને પણ ચેતવણી આપી હતી કે તે બંને દેશો વચ્ચે ન આવે. યુએન સેક્રેટરી જનરલે બંને દેશોને આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અપીલ કરી હતી કારણ કે પશ્ચીમ એશિયા બીજા યુદ્ધનો સામનો કરવાની સ્થિતિમાં નથી. એવી આશંકા વ્યક્ત કરાય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ ઈઝરાયેલ-ઈરાન તણાવ સમગ્ર આરબ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે.
અત્યાર સુધીમાં શું થયું
ઈરાને તાજેતરમાં ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. હવે ઈઝરાયેલે આનો જવાબ આપ્યો છે. ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને કેટલાય શહેરોમાં તેની એર-ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે.
સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનના ઈસ્ફ્હાન શહેરના એરપોર્ટ પર વિસ્ફેટના અવાજ સંભળાયા છે.ઈરાનના ઘણા પરમાણુ થાણા ઈસ્ફાન પ્રાંતમાં સ્થિત છે, જેમાં ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર છે.
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના એરસ્પેસમાં ઘણી ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિસાઈલ છોડવામાં આવી હતી. જ્યારે ઈરાનનું કહેવું છે કે તેણે ઘણા ડ્રોન તોડી પાડયા છે, પરંતુ આ સમયે કોઈ મિસાઈલ હુમલો થયો નથી.
ઈરાનની સ્પેસ એજન્સીના પ્રવક્તા હોસેન દલિરિયનએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, દેશના હવાઈ સંરક્ષણ દ્વારા ઘણા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા છે.ઈરાનમાં વિસ્ફેટોના સમાચાર બાદ ઈઝરાયેલની સેનાએ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો.તેહરાનનું ઇમામ ખોમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ તમામ ફ્લાઇટ્સ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઈઝરાયેલ – ઈરાન વચ્ચે તણાવનું કારણ
વાસ્તવમાં દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો. ઈરાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી વળતો પ્રહાર કરશે.


