- ઇઝરાયેલ જો ઇરાન પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ અપાશે
- શુક્રવારે દેશમાંથી જ ત્રણ રમકડાં જેવા ડ્રોન ઊડયા હોવાનો ઇરાનનો દાવો
- ડ્રોન્સ બાળકોના રમકડાં જેવા હતા જેનાથી અમારા બાળકો રમે છે: ઇરાની વિદેશ પ્રધાન
ઇરાનના વિદેશ પ્રધાને શુક્રવારે જણાવ્યું હતું કે ઇરાન પર હુમલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે હજુ સુધી આ હુમલા પાછળ ઇઝરાયેલનો હાથ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ઇરાની વિદેશ પ્રધાને ધમકી આપતા કહ્યું હતું કે જો ઇઝરાયેલ હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઇરાન તરત જ જડબાતોડ જવાબ આપશે. જ્યારે ઇઝરાયેલ તરફથી આ મુદ્દે કોઈ નિવેદન અપાયું નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઇરાનના ઇસ્ફાહાનમાં હુમલાના સમાચારો આવ્યા હતા. જે બાદ ઇરાની વિદેશ પ્રધાન હુસૈન અમીરાબ્દોલ્લાહિયને આ નિવેદન પ્રસિદ્ધ કયુંર્ છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાનની અંદરથી જ કેટલાક ડ્રોન્સ ઊડયા હતા જેમને થોડા મીટર સુધી ઉડાન બાદ જ તોડી પાડવામાં આવ્યા હતા. ઇરાની વિદેશ પ્રધાને કહ્યું હતું કે તે ડ્રોન્સ બાળકોના રમકડાં જેવા હતા જેનાથી અમારા બાળકો રમે છે. તેમણે કહ્યું હતું કે હજુ સુધી સાબિત નથી થયું કે આ હુમલા પાછળ ઇઝરાયેલનો હાથ હતો. હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ જે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે તે સત્ય નથી.
ઇરાની અધિકારીઓએ કહ્યું હતું કે
ઇરાની ડિફેન્સ સિસ્ટમે ત્રણ ડ્રોન્સને નિશાન બનાવ્યા હતા, જેમાં ધડાકાના અવાજ સંભળાયા હતા. ઇરાની અધિકારીઓના અનુસાર કેટલાક ઉગ્રવાદીઓએ આ ડ્રોન ઉડાવ્યા હોઈ શકે છે.
ઇરાનની ઇઝરાયેલને ધમકી
ઇરાનના વિદેશ પ્રધાને ધમકી આપતા કહ્યું હતું કે જો ઇઝરાયેલ ફરી કોઈ ગરબડ કરે કે પછી ઇરાનના હિતમાં ન હોય તેવું કોઈ કૃત્ય આચરશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું. શુક્રવારે ઇરાનના કોઈ વ્યૂહાત્મક ઠેકાણે હુમલો કરાયાના અહેવાલ કે જાણકારી નથી અને ન તો ઇરાનને કોઈ નુકસાન થયું છે. ઇઝરાયેલ તરફથી પણ હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન આવ્યું નથી.અમેરિકાએ પણ કોઈ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે.


