અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા બાદ અબજપતિ એલન મસ્ક શક્તિશાળી બનીને ઊભર્યા છે. ટ્રમ્પ સરકારમાં પણ એલન મસ્ક મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે એવી સ્થિતિમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં એલન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે?
તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે નિયમોના આધાર ટાંક્યા હતા. એરિઝોનાના ફિનિક્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવેલું કે શું એલન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે? તો તેના જવાબમાં ટ્રમ્પે સીધો જવાબ આપતાં કહ્યું, ના, એવું નહીં થાય. ટ્રમ્પે કહ્યું કે, શું તેમ જાણો છો કે તેઓ રાષ્ટ્રપતિ કેમ ન બની શકે? હકીકતમાં તેઓ અમેરિકામાં નથી જન્મ્યા.ઉલ્લેખનીય છે કે અમેરિકાના બંધારણ અનુસાર જે વ્યક્તિ અમેરિકામાં જન્મી ન હોય તે અમેરિકાના રાષ્ટ્રપતિ ન બની શકે. એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.
ડેમોક્રેટ્સનો કટાક્ષ : પ્રેસિડેન્ટ મસ્ક
ટ્રમ્પે સરકારમાં મસ્કને સરકારના ખર્ચાના નિયંત્રણની જવાબદારી સોંપી છે. તાજેતરમાં બિલ લવાયું ત્યારે ટ્રમ્પની સાથે મસ્કે રિપબ્લિકન સાંસદો પર સારું એવું દબાણ ઊભું કર્યું હતું કે તેઓ એ બિલને સમર્થન ન આપે, જેના કારણે અમેરિકામાં શટડાઉનની સ્થિતિ ઊભી થઈ હતી, ક્રિસમસના દિવસોમાં લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હોત. જોકે, નવું બિલ લાવીને શટડાઉનની સ્થિતિને ટાળી દેવાઇ હતી. આ ઘટનાક્રમથી ઘણા ડેમોક્રેટ સાંસદો નારાજ હતા. તેમણે સવાલ કર્યો કે એક બિનચૂંટાયેલ નાગરિક સરકારમાં આટલો બધો શક્તિશાળી કઈ રીતે હોઈ શકે? કેટલાક ડેમોક્રેટ સાંસદો કટાક્ષ કરતાં મસ્કને પ્રેસિડેન્ટ મસ્ક પણ કહેવા લાગ્યા હતા.