યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મહાન મિત્ર અને ખુબ જ સ્માર્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે ભારતની હાઇ ટેરિફ નીતિ પર પોતાના દૃષ્ટિકોણની પુષ્ટી પણ કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકા આવ્યા હતા. અમે હંમેશા ખુબ જ સારા મિત્ર રહ્યા છીએ. ભારત દુનિયાના હાઇ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. તેઓ ખુબ જ સ્માર્ટ છે. તેઓ ખુબ જ સ્માર્ટ વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. અમારી વાતચીત ખુબ જ સારી રહી હતી અને મને લાગે છે કે ભારત અને અમારા દેશની વચ્ચે આ ખુબ જ સારા પરિણામ લાવશે. હું કહેવા માગુ છું કે તમારી પાસે એક શાનદાર વડાપ્રધાન છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા આગામી બે એપ્રીલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તૈયારીમાં છે. તેમાં ભારત પણ સામેલ છે.
ટ્રમ્પે સતત ભારતની વેપાર નીતિઓની ટીકા કરી છે અને તેને ટેરિફ કિંગ ગણાવ્યું છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે મારા ભારત સાથે ખુબ જ સારા સંબંધ છે, પરંતુ મારી એકમાત્ર સમસ્યા એ છે કે તે દુનિયાના ઉચ્ચ ટેરિફ ધરાવતા દેશ પૈકીનો એક છે. મને લાગે છે કે કદાચ તેઓ તે ટેરિફને ઘણી હદ સુધી ઘટાડશે, પરંતુ 2 એપ્રિલે અમે તેમની પર તે ટેરિફ ચાર્જ લાદીશું જે તેઓ અમારી પાસેથી વસુલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેબ્રુઆરીના અમેરિકા પ્રવાસ બાદ બંને નેતાઓએ 2025ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં એક બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પહેલા તબક્કા પર વાતચીત કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.


