વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં કામ કરતાં ભારતીયો સૌથી વધારે ભણેલા-ગણેલા છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે. અમેરિકાની થિંક-ટેન્ક માઇગ્રેશન પોલિસી ઈન્સ્ટિટયૂટ (MPI)એ દેશમાં (અમેરિકામાં) આવતા ઇમિગ્રાન્ટ્સના શિક્ષણને લઇને એક અભ્યાસ કર્યો હતો.
MPIના અભ્યાસ અનુસાર અમેરિકામાં શિક્ષિત ઇમિગ્રાન્ટ્સમાં સૌથી મોટો સમૂહ ભારતીયોનો છે. અમેરિકામાં શિક્ષિત ઇમિગ્રાન્ટ્સમાં સામેલ વિશ્વના તમામ દેશોના નાગરિકોમાં 14 ટકા એકલા ભારતના છે. 2022 સુધીના આંકડા અનુસાર અમેરિકામાં 1.4 કરોડ શિક્ષિત ઇમિગ્રાન્ટ્સ છે, કે જેમણે કોલેજની ડિગ્રી હાંસલ કરેલી છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે 2018થી 2022 વચ્ચે અમેરિકામાં આવેલા લોકોમાંથી 48 ટકા પાસે કોલેજની ડિગ્રી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે કોલેજ સુધીનો અભ્યાસ કરનારા ઈમિગ્રાન્ટ્સમાં ભારતીયો અને ચાઇનીઝ લોકો સૌથી આગળ છે.
20 લાખ ડિગ્રીધારક ભારતીયોની યુએસમાં એન્ટ્રી
આ રિપોર્ટમાં જણાવાયું છે કે 1.4 કરોડ ઇમિગ્રાન્ટ્સમાંથી 20 લાખ એટલે કે 13 ટકા ભારતીયો હતાં કે જેમણે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો. એમપીઆઈના અભ્યાસમાં 25 વર્ષથી ઉપરની વયના યુવાનોને સામેલ કરાયા હતાં. રિપોર્ટમાં જણાવાયા અનુસાર ભારત પછી બીજા ક્રમે ચીની નાગરિકો આવે છે. કુલ વિદેશી શિક્ષિત ઇમિગ્રાન્ટ્સમાં ચાઇનિઝ શિક્ષિતોનું પ્રમાણ 11 લાખ એટલે કે આઠ ટકા હતું. તે પછી અનુક્રમે સાત ટકા અને છ ટકા સાથે ફિલિપિન્સ અને મેક્સિકોના લોકો હતાં.


