- અમેરિકા સાથે સોદાબાજી પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
- અસાંજે તેમનાં વતન ઓસ્ટ્રેલિયા પાછા ફરી શકશે
- અસાંજેને તેમના ગુના માટે 62 મહિનાની જેલની સજા થઈ શકે છે
અમેરિકાની સેનાનાં રહસ્યોનો પર્દાફાશ કરનાર વિકિલિક્સનાં સ્થાપક જુલિયન અસાંજેની આખરે બ્રિટિશ જેલમાંથી મુક્તિનો માર્ગ ખૂલ્યો છે. તેમણે અમેરિકા સાથે સમજૂતી કરીને તેમનાં પર લગાવવામાં આવેલા આરોપો સ્વીકારવા તૈયારી દર્શાવી છે.
આ પછી તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ અમેરિકા ગયા પછી તેમનાં વતન ઓસ્ટ્રેલિયા પાછા ફરી શકશે. એવું જાણવા મળે છે કે અસાંજે અમેરિકાની કોર્ટમાં સેનાનાં રહસ્યો ખોલવાનો તેમના પરનો આરોપ માનવા અસાંજેએ સંમતિ દર્શાવી છે. તેનાં બદલામાં તેમણે પોતાને જેલમાંથી મુક્ત કરવાની માગણી કરી હતી. તેમનાં પર કેટલાક વર્ષો પહેલાં કરવામાં આવેલા કાનૂની કેસનો પણ અંત આવશે. અમેરિકાની મારિયાના દ્વીપની કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ અસાંજે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી માહિતી મેળવવાનાં અને તેને જાહેર કરવાનાં કેસમાં દોષિત ઠરાવવામાં આવશે. વિકિલિક્સે દાવો કર્યો હતો કે જુલિયન અસાંજે હવે જેલ મુક્ત છે. તેમણે બ્રિટન છોડી દીધું છે. અસાંજેને તેમના ગુના માટે 62 મહિનાની જેલની સજા થઈ શકે છે જેમાંથી બ્રિટનની જેલમાં 5 વર્ષ એટલે કે 60 મહિના સજા કાપી ચૂક્યા છે.
શું હતો કેસ?
ઓસ્ટ્રેલિયાનાં નાગરિક જુલિયન અસાંજે સામે 2010માં અમેરિકાની સરકારનાં ઈરાક તેમજ અફઘાનિસ્તાન યુદ્ધનાં ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાસૂસીનાં 17 આરોપો લગાવાયા છે. તેમની વેબસાઈટ પર અમેરિકન દસ્તાવેજો પ્રકાશિત કરવા માટે કોમ્પ્યૂટરનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. અસાંજેએ 7 વર્ષ સુધી લંડન ખાતે ઇક્વાડોરનાં દૂતાવાસમાં શરણ લીધું હતું. આ પછી પાંચ વર્ષથી તેઓ બ્રિટનની જેલમાં હતા.


