નાસાનું પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીક જવાની સિદ્ધિ મેળવ્યા બાદ સુરક્ષિત છે અને રાબેતા મુજબ કામ કરી રહ્યું છે તેમ નાસાએ શુક્રવારે જણાવ્યું હતું. આ સ્પેસક્રાફ્ટે કોઇ માનવસર્જિત વસ્તુ સૂર્યની સૌથી નજીક ગયાની સિદ્ધિ મેળવી છે.
પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટ ગત 24 ડિસેમ્બરના રોજ સૂર્યની સપાટીથી 38 લાખ માઇલ (61 લાખ કિ.મી.) દૂરથી પસાર થયું હતું. વિજ્ઞાનીઓને સૂર્ય વિશે વધુ માહિતગાર કરવા માટે મદદરૂપ થવાના એક મિશનના ભાગરૂપે તેણે કોરોના તરીકે ઓળખાતા સૂર્યના બાહ્ય વાતાવરણમાં ઉડાન ભરી હતી. મેરીલેન્ડ ખાતેની જોન હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીની ઓપરેશન્સ ટીમે ગુરુવારે મધ્યરાત્રિથી બરાબર પહેલાં સ્પેસક્રાફ્ટ પરથી સિગ્નલરૂપે બીકન ટોન મેળવ્યો હતો. સ્પેસક્રાફ્ટ પોતાના સ્ટેટસ અંગે પહેલી જાન્યુઆરીએ વિસ્તૃત ટેલીમેટ્રી ડેટા મોકલે તેવી ધારણા હોવાનું નાસાએ ઉમેર્યું હતું.
નાસાની વેબસાઇટ મુજબ કલાકના 4.30 લાખ માઇલ (6.92 લાખ કિ.મી.)ની ગતિએ ભ્રમણ કરી રહેલા પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટે 1,800 ડિગ્રી ફેરનહીટ (982 ડિગ્રી સેલ્સિયસ) સુધીનું તાપમાન સહન કર્યું હતું. નાસાએ ઉમેર્યું હતું કે સૂર્યના આ ક્લોઝ-અપ સ્ટડી દ્વારા પાર્કર સોલર પ્રોબ એ ડેટા એકત્ર કરશે કે જેનાથી વિજ્ઞાનીઓને તે રિજનમાં મટિરિયલ લાખો ડિગ્રી સુધી ગરમ કેમ થાય છે તે વિશે તથા સોલર વિન્ડનું મૂળ ટ્રેસ કરવા અંગે વધુ સારી રીતે સમજવામાં તેમજ એનર્જેટિક પાર્ટિકલ્સ પ્રકાશની ગતિ કેવી રીતે ધારણ કરે છે તે જાણવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટ વર્ષ 2018માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તે ધીમે ધીમે સૂર્યની નજીક પરિભ્રમણ કરી રહ્યું છે. તે શુક્રના ફ્લાયબાયનો ઉપયોગ કરીને ગુરુત્વાકર્ષણ દ્વારા તેને સૂર્ય સાથે વધુ ટાઇટ ભ્રમણકક્ષામાં ખેંચી રહ્યું છે.