- કોરોના બાદ વિશ્વના મોટાભાગના શક્તિશાળી દેશોની હાલત ખરાબ પણ ભારત અડીખમ
- સિંગાપોરમાં સૌથી વધુ 80 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ, ભારત બીજા ક્રમે, સ્વીડન 75% સાથે ત્રીજા ક્રમે
- એશિયામાં શ્રીલંકા, દક્ષિણ કોરિયા અને જાપાનની હાલત સૌથી ખરાબ
ભારતને લોકશાહીનો પાઠ ભણાવવા નીકળેલા દેશો માટે અમેરિકી થિંક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરનો લેટેસ્ટ રિપોર્ટ લપડાક સમાન છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે વિશ્વના 31 શક્તિશાળી દેશોમાં સરવે કર્યો કે ત્યાંના લોકો લોકશાહીથી સંતુષ્ટ છે કે નહીં? આ સરવેમાં ભારત બીજા ક્રમે રહ્યું.
77 ટકા ભારતીયોએ કહ્યું કે તેઓ દેશની લોકશાહી વ્યવસ્થાથી સંતુષ્ટ છે. જોવાની વાત એ છે કે છાસવારે ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવતા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની હાલત ખરાબ છે. અમેરિકાની 68 ટકા, બ્રિટનની 60 ટકા અને ઓસ્ટ્રેલિયાની 39 ટકા વસ્તી લોકશાહીથી ખુશ નથી. આ જ રીતે કેનેડાના 52 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ છે તો 46 ટકા લોકો અસંતુષ્ટ છે. ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોની અડધી વસ્તી જ ત્યાંની લોકશાહીથી ખુશ છે. સૌથી ખરાબ હાલત દક્ષિણ અમેરિકાના દેશોની છે. પેરુમાં માત્ર 11 ટકા લોકો લોકશાહીથી ખુશ છે જ્યારે 89 ટકા લોકો નાખુશ છે. કોલંબિયામાં 21 ટકા લોકો સંતુષ્ટ અને 77 ટકા લોકો અસંતુષ્ટ છે. ચિલીમાં 30 ટકા લોકો સંતુષ્ટ અને 66 ટકા અસંતુષ્ટ છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં 54 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ છે.
ભારતની શું સ્થિતિ છે?
એશિયાની વાત કરીએ તો સિંગાપોરમાં સૌથી વધુ 80 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ જ્યારે 19 ટકા લોકો અસંતુષ્ટ છે. ભારતમાં 77 ટકા લોકો લોકશાહીથી ખુશ અને 20 ટકા લોકો નાખુશ છે. થાઇલેન્ડમાં 64 ટકા, ફિલિપાઇન્સમાં 57 ટકા અને મલેશિયામાં 51 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ છે. એશિયામાં શ્રીલંકા, દક્ષિણ કોરિયા અને જાપાનની હાલત સૌથી ખરાબ છે. શ્રીલંકામાં 58 ટકા, દક્ષિણ કોરિયામાં 63 ટકા અને જાપાનમાં 67 ટકા લોકો લોકશાહીથી ખુશ નથી.
કોરોના બાદ લોકોની નારાજગી વધી :
મોટાભાગના હાઇ ઇન્કમ દેશોમાં કોરોના બાદ હાલત ખરાબ થઈ. બ્રિટનમાં કોરોના પૂર્વે 60 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ હતા, હવે ઘટીને 39 ટકા. 2021માં કેનેડાના 66 ટકા લોકો ખુશ હતા, હવે 52 ટકા. જર્મનીમાં સંતુષ્ટ લોકોનું પ્રમાણ 66 ટકાથી ઘટીને 55 ટકા થયું છે.


